નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈશારામાં સરકારને સલાહ આપતા કહ્યું કે રસ્તાઓ પર ઉતરેલા યુવાઓના વિચારો પણ મહત્વના છે. ભારતની સંસ્કૃતિ બધાને સાથે લઈને ચાલવાની છે. નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કર્યા વગર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે કેટલાક મહિનાઓમાં અલગ-અલગ મુદ્દાઓ પર લોકો રસ્તાઓ પર ઉતર્યા. ખાસ કરીને યુવાઓએ જરૂરી મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સંવિધાનમાં તેમની આસ્થા દિલને સ્પર્શનારી છે.


મુખર્જીએ વિરોધ પ્રદર્શનો પર કહ્યું કે, 'મારું માનવું છે કે દેશમાં શાંતિપૂર્ણ આંદોલનોની અત્યારની લહેર એકવાર ફરી આપણી લોકશાહીનાં મૂળને ઊંડા અને મજબૂત કરશે.' પ્રણવ મુખર્જીનાં આ નિવેદને ભાજપ માટે અસહજ સ્થિતિ પેદા કરી છે, કેમકે તેમના વિશે માનવામાં આવતુ રહ્યું છે કે તેઓ મોદી સરકાર પ્રતિ નરમ વલણ રાખે છે. પીએમ મોદી અને તેમની વચ્ચે ઘણા સારા સંબંધો છે અને એટલા સુધી તેઓ નાગપુરમાં આરએસએસનાં એક કાર્યક્રમમાં પણ હાજર રહી ચુક્યા છે જેના પર કૉંગ્રેસ હંમેશા પ્રહાર કરે છે.

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો હોય કે એનઆરસી અથવા યૂનિવર્સિટીમાં ફીસ વૃદ્ધિનો મુદ્દા વિરોધ પ્રદર્શન અને પોતાનું મંતવ્ય જાહેર કરવા દેશભરમાં લોકો રસ્તાઓ પર ઉતર્યા છે જેમાં મોટાભાગનાં યુવા છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે, સામાન્ય મંતવ્ય લોકશાહીની જીવન રેખા છે. લોકશાહીમાં તમામની વાત સાંભળવા, વિચાર વ્યક્ત કરવા, વિમર્શ કરવા, તર્ક-વિતર્ક કરવા અને અહીં સુધીની અસહમતિનું મહત્વનું સ્થાન છે.' તેમણે કહ્યું કે, 'મારું માનવું છે કે દેશમાં શાંતિપૂર્ણ આદોલનની અત્યારની લહેર એકવાર ફરી લોકશાહીનાં મૂળ અને મજબૂત બનાવશે.'