જન સૂરાજના કન્વીનર પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે. બિહારના ખગરિયામાં એક જાહેર સભાને સંબોધતા પ્રશાંત કિશોરે કહ્યું કે અમે 243 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ. જેને જેટલી બેઠકો પર ચૂંટણી લડવી હોય તેઓ લડે...કઈ પાર્ટી કેટલી બેઠકો પર લડી રહી છે, તેનાથી લોકોને કોઈ લેવાદેવા નથી.
જનતાએ NDA અને UPA બંનેનું શાસન જોયું
પ્રશાંત કિશોરે ચિરાગ પાસવાન અને અન્ય નેતાઓને સીધા સંબોધતા કહ્યું કે તેમણે કહેવું જોઈએ કે બિહારમાં બાળકોને કેવી રીતે શિક્ષણ આપવામાં આવશે, બિહારમાંથી સ્થળાંતર કેવી રીતે બંધ થશે અને બિહારમાં ભ્રષ્ટાચાર કેવી રીતે બંધ થશે? તેમણે કહ્યું કે જનતાએ NDA અને UPA બંનેનું શાસન જોયું છે.
પ્રશાંત કિશોરની સફર
પ્રશાંત કિશોરને 'PK' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ચૂંટણી રણનીતિકાર છે અને હવે રાજકારણી છે. તેમનો જન્મ 1977માં બિહારના બક્સરમાં થયો હતો. રાજકારણમાં જોડાતા પહેલા તેમણે 8 વર્ષ સુધી સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કર્યું હતું. તેમણે અનેક રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રચારની તૈયારી અને સફળતા હાંસિલ કરી,જેમાં 2014ની લોકસભા ચૂંટણી, 2015ની બિહાર વિધાનસભા ચૂંટણી, 2021ની પશ્ચિમ બંગાળ ચૂંટણી, 2021ની તમિલનાડુ ચૂંટણી સામેલ છે.
જન સૂરાજ પાર્ટી શા માટે બનાવી ?
પ્રશાંત કિશોર "જન સૂરાજ" ના સ્થાપક છે. તેમનું કહેવું છે કે તેઓ બિહારના રાજકીય પરિદૃશ્યમાં મોટો ફેરફાર લાવવા માંગે છે. તેમણે થોડા વર્ષો પહેલા ચૂંટણી રણનીતિકાર તરીકેનું કામ છોડી અને બિહારમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી "જન સૂરાજ" અભિયાન શરૂ કર્યું હતું.
બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારે છે ?
તમને જણાવી દઈએ કે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં યોજાવાની શક્યતા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. સરકાર બનાવવા માટે બહુમતી માટે કોઈપણ ગઠબંધનને 122 બેઠકોની જરૂર હોય છે. હાલમાં, બિહારમાં જનતા દળ (યુનાઇટેડ) અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધન (એનડીએ)નું શાસન છે. નીતિશ કુમાર બિહારના વર્તમાન મુખ્યમંત્રી છે.