Vegetable Oil Prices: ખાદ્યતેલના ભાવ પહેલાંથી જ ભડકે બળી રહ્યા છે અને આવનારા દિવસોમાં ભાવમાં વધુ વધારો થઈ શકે છે. એનું કારણ છે ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર મુકેલ પ્રતિબંધ. ઈન્ડોનેશિયાના આ નિર્ણય બાદ ભારતમાં આવતું 2,90,000 ટન ખાદ્યતેલ ઈન્ડોનેશિયાના પોર્ટ અને ઓઈલ મીલમાં અટવાઈ ગયું છે. ઈન્ડોનેશિયાએ ક્રૂડ પામ ઓઈલ અને રિફાઈન્ડ પામ ઓઈલ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ભારતમાં વેજીટેબલ તેલની અછત સર્જાવાની સંભાવના છે. 28 એપ્રિલ 2022થી ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે પામ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થવાની આશંકા છે. ઇન્ડોનેશિયા દેશ પામ તેલનું સૌથી વધુ ઉત્પાદન કરતા દેશમાંનો એક છે, જ્યારે ભારત વિશ્વના સૌથી મોટા ખાદ્ય તેલ - ખાસ કરીને પામ તેલ અને સોયા તેલના સૌથી મોટા આયાતકારોમાંનો દેશ છે.


મોંઘા ખાદ્ય તેલથી વધી મોંઘવારીઃ
ઈન્ડોનેશિયાના આ નિર્ણયથી ભારતની ચિંતા વધી ગઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારત પહેલાંથી જ સૂર્યમુખી તેલના સપ્લાયથી પરેશાન છે, હવે ઈન્ડોનેશિયાના આ નિર્ણયથી મુશ્કેલી વધી છે. તે જ સમયે, રિટેલ મોંઘવારી દર માર્ચ મહિનામાં 6.95 ટકા છે, એટલે કે તે 7 ટકાની નજીક પહોંચી ગયો છે. મોંઘવારી વધવાનું એક મોટું કારણ ખાદ્યતેલના ભાવમાં થયેલો વધારો છે. રિટેલ ફુગાવાના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ખાદ્ય તેલ અને વસા (ચરબી)ના ભાવમાં 27.4 ટકાનો વધારો થયો છે. જો નિષ્ણાતોનું માનીએ તો, ઇન્ડોનેશિયન પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધને કારણે, કિંમતોમાં 10 થી 15 ટકાનો વધારો થઈ શકે છે.


કેનોલા તેલ પર આયાત ડ્યુટી ઘટાડવાની માંગઃ
મોંઘા ખાદ્યતેલના કારણે તેલ ઉદ્યોગ પણ પરેશાન છે. આ જ કારણ છે કે ઉદ્યોગોએ સરકાર પાસે કેનોલા તેલ (સરસવનું તેલ) પરની આયાત ડ્યૂટી 38.5 ટકાથી ઘટાડીને 5.5 ટકા કરવાની માંગ કરી છે. જેથી કેનોલા તેલની આયાત શરૂ કરી શકાય. તમને જણાવી દઈએ કે, સૂર્યમુખી તેલના સ્થાને રિફાઈન્ડ કેનોલા તેલનો ઉપયોગ કરી શકાય છે. 


પામ ઓઈલ પરનો કૃષિ સેસ હટાવવા માંગઃ
તેલ ઉદ્યોગનું માનવું છે કે કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે ખાદ્યતેલનો પુરવઠો વધારવો જરૂરી છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે આયાત ડ્યુટી ઓછી થાય. એટલું જ નહીં, સામાન્ય લોકોને મોંઘા તેલમાંથી રાહત આપવા માટે ક્રૂડ પામ ઓઈલ પર 5 ટકા કૃષિ સેસ ઘટાડીને શૂન્ય કરવાની માંગ પણ કરવામાં આવી છે.


ભારત સૌથી મોટો આયાત કરતો દેશઃ
ભારત એક મહિનામાં લગભગ 10 લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે અને આયાત ગયા વર્ષે 2021-22માં 1.5 મિલિયન ટનથી ઘટીને 1.3 મિલિયન ટન થઈ છે, તેમ છતાં કિંમતોમાં ઉછાળાને કારણે 2021-22માં 1.4 લાખ કરોડની ખાદ્યતેલની આયાત કરવી પડી હતી. જ્યારે અગાઉના વર્ષમાં રૂ. 82,123 કરોડ ખર્ચ કરવા પડ્યા હતા.


પુરવઠામાં ઘટાડો ભાવમાં વધારો કરી શકેઃ
ઈન્ડોનેશિયાના આ નિર્ણયથી મોંઘવારી વધવાની પુરી શક્યતા છે. પામ તેલ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું રસોઈ તેલ છે, જે વૈશ્વિક વપરાશમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. તે પછી સોયા તેલનો વારો આવે છે, જે 32 ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને પછી સરસવનું તેલ (અથવા કેનોલા), જે 15 ટકા હિસ્સો ધરાવે છે.