છેલ્લા પાંચ વર્ષમાં દેશવાસીઓમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે આ સરકાર તેમની સાથે છે. આ વખતે મતદારોએ મજબૂત જનાદેશ આપ્યો છે. 2014 પહેલાના વાતાવરણથી તમામ દેશવાસીઓ પરિચિત છે અને દેશને નિરાશાજનક માહોલમાંથી બહાર કાઢ્યો છે. મારી સરકારે સૌનો સાથ, સૌનો વિકાસ પર ચાલવાનું શરૂ કર્યું છે, જ્યાં કોઈ સાથે ભેદભાવ કરવામાં આવતો નથી. મારી સરકાર પહેલા દિવસથી જ દેશવાસીઓનું જીવન સુધારવ, કુશાસનથી ઉભી થતી મુસીબતો દૂર કરવા સમર્પિત છે.
નવું ભારત રવીન્દ્રનાથ ટાગોરના આદર્શ ભારતના તે સ્વરૂપ તરફ આગળ વધશે જ્યાં લોકો ભયમુક્ત હોય અને આત્મ-સમ્માનથી તેમનું મસ્તક ઊંચું રહે. પ્રથમ વખત કોઈ સરકારો નાના દુકાનદાર ભાઈ-બહેનોની આર્થિક સુરક્ષા પર ધ્યાન આપ્યું છે. કેબિનેટની પ્રથમ બેઠકમાં જ નાના દુકાનદારો અને રીટેલ ટ્રેડર્સ માટે અલગ પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો લાભ દેશના લગભગ 3 કરોડ નાના દુકાનદારોને મળશે.
રાષ્ટ્રપતિએ કહ્યું, આગામી સમયમાં જળ સંકટ ઘેરું બનવાનું છે. જલ શક્તિ મંત્રાલય બનાવવાનો ફેંસલો નિર્ણાયક પગલું છે. અમારી સરકાર દુકાળની સમસ્યા પ્રત્યે પણ સાવચેત છે. ખેડૂત ગ્રામીણ અર્થતંત્રનો આધારસ્તંભ છે. ગ્રામીણ ભારતને મજબૂત બનાવવા માટે મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. 25 લાખ કરોડ રૂપિયાનું આગામી વર્ષમાં રોકાણ કરવામાં આવશે. 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ શકે તે માટે પગલાં ભરવામાં આવ્યા છે.
નેશનલ ડિફેન્સ ફંડથી વીર જવાનોના બાળકોને મળતી સ્કોલરશિપની રકમ વધારવામાં આવી છે. તેમાં પ્રથમ વખત રાજ્ય પોલીસના જવાનોના દીકરા-દીકરીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. મારી સરકાર બેંક સેવાઓ દેશવાસીઓ સુધી પહોંચાડવાનું કામ પણ કરી રહી છે.
મહિલા સશક્તિકરણ મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ પૈકીની એક છે. નારી સબળ થવી તથા સમાજ અને અર્થતંત્રમાં તેમની પ્રભાવશાળી ભાગીદારી, એક વિકસિત સમાજની કસોટી છે. સરકારની આ સોચ છે કે ન માત્ર મહિલાઓનો વિકાસ થાય પરંતુ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ થાય. દેશમાં દરેક બહેન-દીકરી માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરવા માટે ત્રિપલ તલાક અને નિકાહ-હલાલા જેવી કુપ્રથાઓ નાબૂદ કરવી જરૂરી છે. આપણી બહેન-દીકરીઓના જીવનને વધારે સન્માનજનક તથા શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસમાં સહયોગ આપવા હું તમામ સભ્યોને વિંનતી કરું છું. રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગામડાઓની 3 કરોડ મહિલાઓને અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ઋણ આપવામાં આવ્યું છે. ઉજ્જવલા યોજનાથી ધૂમાડાથી મુક્તિ, મિશન ઈન્દ્રધનુષના માધ્યમથી રસીકરણ, સૌભાગ્ય યોજનાથી ફ્રી વીજળી કનેક્શન આ તમામનો લાભ ગ્રામીણ મહિલાઓને મળ્યો છે.
આજે ભારત વિશ્વના સૌથી વધુ સ્ટાર્ટઅપવાળા દેશોમાં સામેલ થઈ ગયો છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સ્વરોજગાર માટે લગભગ 19 કરોડ ઋણ આપવામાં આવ્યું છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે 30 કરોડ લોકોને તેનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આંત્રપ્રિન્યોર માટે ગેરંટી વગર 50 લાખ રૂપિયા સુધીની લોનની યોજના પણ લાવવામાં આવશે.
આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર પૈકીનું એક છે. ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસના રેકિંગમાં ભારત 2014માં 142મા સ્થાન પર હતું. છેલ્લા 5 વર્ષમાં તે 77મા સ્થાન પર પહોંચી ગયું છે. હવે ટોચના 50 દેશોમાં આવવું અમારું લક્ષ્ય છે.
જીએસટી લાગુ થવાથી એક દેશ, એક ટેક્સ, એક બજારની સોચ સાકાર થઈ છે. જીએસટીને વધુ સરળ બનાવવાના પ્રયાસ ચાલુ રહેશે. ટેક્સ વ્યવસ્થામાં સતત સુધારો કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાનો ફેંસલો આ દિશામાં જ ઉઠાવવામાં આવેલું મહત્વપૂર્ણ પગલું છે.
આજે આતંકવાદના મુદ્દે સમગ્ર વિશ્વ ભારત સાથે છે. દેશમાં મોટા આતંકી હુમલા માટે જવાબદાર મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવો તેનું મોટું પ્રમાણ છે. આજે સમગ્ર વિશ્વાં ભારતની એક નવી ઓળખ બની છે તથા અન્ય દેશો સાથેના આપણા સંબંધ મજબૂત થયા છે. 2022માં ભારત G-20 શિખર સંમેલનની યજમાની કરશે તે ગૌરવની વાત છે.
એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇકથી સરકારે આતંકીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાનું સાબિત કર્યું છે. જમ્મુ-કાશ્મીરના લોકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલ આપવા સરકાર પ્રયત્નશીલ છે. દેશને નકસલવાદથી મુક્તિ અપાવવા સરકાર કઠોર પગલાં ભરી રહી છે.
દેશના દરેક રાજ્યોમાં વારફરતી ચૂંટણીઓ થતી રહે છે અને આ કારણે એક રાષ્ટ્ર, એક ચૂંટણીની વ્યવસ્થા લાવવામાં આવે તેવી સમયની માંગ છે. આમ થવાથી દેશનો વિકાસ ઝડપથી થઈ શકશે. આ માટે તેમણે બધા પક્ષોને એક ચૂંટણીના પ્રસ્તાવ પર વિચાર કરવાની અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ગૃહના સાંસદોને બેઠકની સાથે ડિનરનું પણ આંમત્રણ આપ્યું છે. આ ડિનર અશોકા હોટલમાં રાખવામાં આવ્યું છે.
વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડ આ ખેલાડીએ તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, જાણો વિગત
પ્લેટફોર્મ અને પાટાની વચ્ચે પટકાયો પેસેન્જર છતાં બચી ગયો જીવ, જુઓ વીડિયો
બિપાશાએ હોટ તસવીર કરી શેર, રણવીર સિંહ સહિત બોલીવુડ સ્ટાર્સે કરી ખાસ કમેન્ટ, જાણો વિગત