નવી દિલ્હીઃ ડોક્ટરો, સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનારાઓ વિરુદ્ધ મોદી સરકાર દ્ધારા લાવવામાં આવેલા વટહુકમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી  આપી દીધી છે. આ સાથે જ વટહુકમ લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વટહુકમ લાગુ થયા બાદ ડોક્ટરો અને અન્ય મેડ઼િકલ સ્ટાફ સાથે મારપીટ કરનારા વિરુદ્ધ મહતમ સાત વર્ષની જેલની સજા થઇ શકે છે. આ સાથે ભારે દંડનો પણ સામનો કરવો પડી શકે છે.




આ વટહુકમ અનુસાર, મેડિકલ કર્મચારીઓ પર હુમલો કરનારાઓને જામીન મળશે નહીં. 30 દિવસની અંદર તેની તપાસ પુરી થશે. એક વર્ષની અંદર નિર્ણય લેવામાં આવશે જ્યારે ત્રણ મહિનાથી પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે છે.તે સિવાય ગંભીર મામલામાં છ મહિનાથી લઇને સાત વર્ષની સજાની જોગવાઇઓ છે. ગંભીર મામલામાં 50 હજારથી બે લાખ સુધીની દંડની જોગવાઇ છે.વટહુકમ અનુસાર જો કોઇ વ્યક્તિ સ્વાસ્થ્ય કર્મચારીની ગાડી પર હુમલો કર્યો તો માર્કેટ વેલ્યૂના ડબલ દંડ઼ ભરવો પડશે.

ઇન્ડિયન મેડિકલ અસોસિયેશને આ ડોક્ટરો પર થતા હુમલાઓનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21,403 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 681 લોકોના મોત થયા છે. જ્યારે 4257 લોકો સ્વસ્થ થઇને ઘરે જઇ ચૂક્યા છે.