Presidential Election: રાષ્ટ્રપતિ ચૂંટણી (Presidential Election) માટે ઉમેદવારી અંગેના નિયમોને પડકારતી અરજી પર કોઈ આદેશ આપવાની સુપ્રિમ કોર્ટે (Supreme Court) ના પાડી દીધી છે. બમ બમ મહારાજ નૌહટ્ટિયા નામના અરજીકર્તાએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે 50 સાંસદો અને ધારાસભ્યોને પ્રસ્તાવક બનાવવાના નિયમને ખોટો ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે, તેઓ 2007થી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આ નિયમ તેમની આડે આવી રહ્યો છે.


બમ બમ મહારાજ નૌહટ્ટિયાના વકીલને થોડા સમય સુધી સાંભળ્યા બાદ જસ્ટિસ સૂર્ય કાંતે કોર્ટમાં હાજર બમ બમ મહારાજને કહ્યું કે, "તમે કહો છો કે તમે 2007થી  ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે પોતાને સામાજીક કાર્યકર્તા પણ ગણાવી  રહ્યા છો પરંતુ લાગે છે કે તમે મૌસમી કાર્યકર્તા છો. જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તમે સક્રિય થાવ છો. જજોએ કહ્યું કે, આ મામલા પર અમે કોઈ આદેશ આપવા નથી ઈચ્છતા." જજની આ વાત બાદ પણ વકીલોએ પોતાની વાત ચાલુ રાખી હતી. આ પછી બેંચે તેમને કોર્ટનો સમય બરબાદ કરવા માટે દંડ ફટકારવાની ચેતવણી આપી હતી.


અરજીકર્તાને જજોએ કહ્યું...
જજોએ અરજીકર્તાને કહ્યું કે, તમે દર વખતે રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ આ મુદ્દો ઉઠાવો છો. જ્યારે ચૂંટણી ના હોય ત્યારે અરજી દાખલ કરો. પછી સુનાવણી થઈ શકે છે. આ પછી કોર્ટે આ મામલા અંગે થયેલી અન્ય અરજીકર્તા મંદાતિ તિરુપતિ રેડ્ડીની પણ અરજી રદ્દ કરી દીધી હતી. રેડ્ડીએ પણ, પ્રેસિડેન્ટ એન્ડ વાઈસ પ્રેસિડેન્ટ ઈલેક્શન એક્ટ 1952ની જોગવાઈઓને પડકારી હતી. તેમણે કોર્ટ સામે માંગણી કરી હતી કે, કોર્ટ લોકસભા મહાસચિવને તેમની ઉમેદવારી સ્વિકાર કરવાનો આદેશ આપે.


દેશની 16મી રાષ્ટ્રપતિ ચૂંટણી 18 જૂલાઈના રોજ થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી સત્તારુઢ NDAએ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે. વિપક્ષી પાર્ટીઓ તરફથી યશવંત સિન્હા રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે.