સામનામાં લખ્યું કે, મહારાષ્ટ્રની રાજનીતિ હાલમાં એક મજેદાર શોભાયાત્રા બની ગઇ છે. શિવરાયના મહારાષ્ટ્રમાં આવી શોભાયાત્રા થાય તો તે માટે જવાબદાર કોણ? વર્તમાનની સ્થિતિ શિવશાહી નથી. રાજ્યની સરકાર નહી પરંતુ વિદાય થઇ રહેલી સરકારના બૂઝાયેલા જુગનૂ રોજ નવી મજાક કરીને મહારાષ્ટ્રની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. ધમકી અને તપાસ એજન્સીઓની દાદાગીરીથી કાંઇ ના થતાં ફડણવીસ સરકારના નાણામંત્રી સુધીર મુનગંટીવારે નવી ધમકી આપી છે. સાત નવેમ્બર સુધી સત્તાની ગૂંચવણનો ઉકેલ ના આવતા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવશે.
વધુમાં શિવસેનાએ સામનામાં લખ્યું કે, કાયદો અને બંધારણનો અભ્યાસ ઓછો હોય અથવા કાયદો અને બંધારણને દબાવીને જે જોઇએ છે તે મેળવવાની નીતિ આ પાછળ હોઇ શકે છે. એક તો રાષ્ટ્રપતિ અમારી મુઠ્ઠીમાં છે અથવા તો રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વાળો રબર સ્ટેમ્પ રાજ્યના ભાજપ કાર્યાલયમાં મુકવામાં આવ્યો છે.