મુંબઈ: એનસીપી અધ્યક્ષ શરદ પવારે શુક્રવારે કહ્યું જનતાએ અમારી પાર્ટીને વિપક્ષમા બેસવાનું કહ્યું છે અને પાર્ટી એમ જ કરશે. શિવસેનાની એનસીપી અને કૉંગ્રેસના સમર્થનથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની સંભાવનાઓની ચર્ચાઓ વચ્ચે શરદ પવારે આ નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ લાગી રહ્યું છે કે એનસીપી શિવસેનાને સમર્થન નહી આપે.


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનમાં સાથે ચૂંટણી લડનાર ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ ક્રમશ 105 અને 56 બેઠકો પર જીત મેળવી હતી. એનસીપી અને કૉંગ્રેસે ક્રમશ 54 અને 44 બેઠકો પર જીત મેળવી છે.

એનસીપી અને કૉંગ્રેસના સમર્થનથી શિવસેના સરકાર બનવાની સંભાવનાઓ વિશે પૂછવામાં આવતા શરદ પવારે કહ્યું આ સંબંધમાં તેમની પાર્ટીમાં કોઈ ચર્ચા નથી થઈ.

તેમણે કહ્યું, અમારી પાસે સ્પષ્ટ બહુમતી નથી. જનતાએ અમને વિપક્ષમાં બેસવાનું કહ્યું છે. અમે આ જનાદેશનો સ્વીકાર કરીએ છીએ અને ધ્યાન રાખશું કે અમે આ ભૂમિકાએ યોગ્ય રીતે નિભાવીએ.

શિવસેના એ વાત પર જોર આપી રહી છે કે અઢી-અઢી વર્ષ માટે ભાજપ અને તેના મુખ્યમંત્રી બને. ભાજપ આ પ્રકારની વ્યવસ્થા લાગૂ કરવા નથી માંગતું.