Ram Mandir News: ઉત્તર પ્રદેશમાં રામની નગરી અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં રામલલાના ભવ્ય મંદિરમાં તેમના પૂજારીઓ અને સેવાદારો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરના પૂજારીઓ અને સેવાદારોને સરકારી કર્મચારીઓ જેવી સુવિધાઓ મળશે.


શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું છે કે રામ મંદિરના તમામ પૂજારીઓ અને સેવાદારોને સરકારી કર્મચારીઓની જેમ તમામ સુવિધાઓ મળશે. જાણકારી અનુસાર જાન્યુઆરી 2024માં રામલલાના ભવ્ય મંદિરમાં બિરાજ્યા બાદ પૂજારી અને સેવાદારોને સરકારી કર્મચારીઓ જેવી સુવિધાઓ આપવામાં આવશે. જેમાં મેડિકલ એલાઉન્સ, હાઉસ એલાઉન્સ,  રજા સાથે મુસાફરી અને ભોજનની વ્યવસ્થા સામેલ કરવામાં આવી છે.                                          


જૂના પૂજારીઓને પણ સુવિધા મળશે


શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું કે, આ તમામ સુવિધાઓ જાન્યુઆરી 2024માં નિયુક્ત કરાયેલા નવા પૂજારીઓ અને સેવાદારોને આપવામાં આવશે, જેમાં છેલ્લા લાંબા સમયથી રામલલાની સેવા કરી રહેલા પૂજારીઓ અને સેવાદારનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યાના રામ મંદિર પરિસરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સિવાય પાંચ અન્ય મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. જેમના માટે પૂજારી અને સેવાદારની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. આ નિમણૂક ડિસેમ્બર 2023 સુધીમાં કરવામાં આવશે અને તે બધા જાન્યુઆરી 2024 સુધીમાં મંદિરોમાં તેમનું કામ શરૂ કરશે. મળતી માહિતી મુજબ આ તમામને પણ આ લાભ મળશે.           


ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે વ્યવસ્થા


ઉલ્લેખનીય છે કે શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેની તમામ જવાબદારી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવી હતી. જે બાદ સૌથી પહેલા એપ્રિલ 2023માં રામ મંદિરના પૂજારીઓ અને સેવાદારોનો પગાર 8 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવ્યો હતો. હાલ માટે ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રામ મંદિરમાં રામલલા બિરાજમાન થશે એ સાથે  પૂજારીઓ અને સેવાદારોને રાજ્ય કર્મચારીઓ જેટલી જ સુવિધાઓ આપવામાં આવશે. જેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.