નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફ્રેન્સિંગ મારફતે બિહારમાં કોસી રેલ મહાસેતુ ઉદ્ઘાટન અને 12 રેલ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, “આજે બિહારમાં રેલ કેનેક્ટિવિટી ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચાયો છે. હાલમાં નિર્મલીથી સરાંયગઢનનું અંતર લગભગ 300 કિલોમીટર જેટલું થાય છે. હવે, એ દિવસો દૂર નથી જ્યારે બિહારના લોકો 300 કિમીનું અંતર નહીં કાપવું પડે. 300 કિમીની આ યાત્રા હવે માત્ર 22 કિમીમાં પૂરી થશે.”


પીએમ મોદીએ કહ્યું, “આજે કોસી મહાસેતુ થઈને સુપોલ-આસનપુર કુપહાની વચ્ચે ટ્રેન સેવા શરુ થવાથી સુપોલ, અરરિયા અને સહરસા જિલ્લાના લાકોને ખૂબજ લાભ થશે. એટલું જ નહીં, તેનાથી નોર્થ ઈસ્ટના લોકો માટે એક વૈકલ્પિક રેલમાર્ગ પણ ઉપલબ્ધ થશે.”

રેલવે કર્મચારીઓની પ્રશંસા કરતા કહ્યું કે, “જે રીતે કોરોના કાળમાં રેલવએ કામ કર્યું છે, કામ કરી રહ્યાં છે. તેના માટે ભારતીય રેલના લાખો કર્મચારીઓની વિશેષ પ્રશંસા કરું છું. દેશના લાખો શ્રમિકોને શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના માધ્યમથી સુરક્ષિત ઘરે પહોંચાડવા માટે રેલવેએ દિવસ રાત એક કરી દીધાં હતા.”

પીએમ મોદીએ કહ્યું કે, “2014 પહેલા 5 વર્ષોમાં બિહારમાં માત્ર સવા ત્રણ સૌ કિલોમીટર નવી રેલ લાઈન શરુ હતી. જ્યારે 2014 બાદ 5 વર્ષમાં બિહારમાં લગભગ 700 કિલોમીટર રેલ લાઈન કમીશન થઈ ચૂકી છે. એટલે કે લગભગ બેગણાથી વધુ નવી રેલવે લાઈન શરુ થઈ છે.”