લખનઉઃ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 95મી જયંતીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉના લોકભવનમાં અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવણ કર્યું હતું. આ મૂર્તિ કાંસામાંથી બનાવવામાં આવી છે, જેને જયપુરના પ્રસિદ્ધ મૂર્તિકાર રાજકુમાર પ્રજાપતિએ આકાર આપ્યો છે.

અટલ બિહારી વાજપેયીની મૂર્તિ અનાવરણ પ્રસંગે રાજયપાલ આનંદીબેન પટેલ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધન કરતાં રાજનાથ સિંહે કહ્યું, પહેલા લખનઉથી અટલજી સાંસદ હતા અને આજે મને આ સૌભાગ્ય મળ્યું છે જે ખૂબ મોટી વાત છે. જવાહરલાલ નેહરુએ ઘણા વર્ષો પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે અટલ બિહારી વાજપેયી દેશના પીએમ બનશે. અટલજીના જીવનમાં પાર્ટી નહીં દેશહિત ટોચ પર હતું. પીએમ મોદી પણ અટલ બિહારી વાજપેયીની જેમ સર્વધર્મ સમભાવની વાત કરે છે.


અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીના શિલાન્યાસ બાદ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, અટલજી કહેતા હતા કે જીવનને ટુકડામાં ન જોવું જોઈએ તેને સમગ્રતામાં જોવું જોઈએ. આ વાત સરકાર માટે પણ સત્ય છે, સુશાસન માટે પણ સત્ય છે.  જ્યાં સુધી આપણે સમસ્યાઓને સંપૂર્ણતાથી નહીં વિચારીએ ત્યાં સુધી સુશાશન શક્ય નથી.


મિશન પોષણ અને મિશન ઈન્દ્રધનુષને વધુ આગળ વધારીએ તેવો અમારો લક્ષ્ય છે. આયુષ્યમાન ભારતના કારણે દેશના આશરે 70 લાખ ગરીબ બાળકોની ફ્રીમાં સારવાર થઈ છે. જેમાં આશરે 11 લાખ ઉત્તરપ્રદેશના છે. 2022 સુધી જે ગરીબ પાસે ઘર નથી તેમને ઘર આપવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જન સ્વાસ્થ્યના ક્ષેત્રમાં થઈ રહેલું અભૂતપૂર્વ કામ ઉત્તરપ્રદેશમાં પણ જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે ઈંસેફલાઇટિસ મામલે યોગી અને તેની ટીપે ખૂબ સારું કામ કર્યું છે. આ માટે તમામ અભિનંદનના અધિકારી છે.


આજે અટલ સિદ્ધીની આ ધરતી પરથી  અહીંના દરેક નાગરિકોને આગ્રહ કરવા આવ્યો છું કે આઝાદી બાદના વર્ષોમાં આપણે સૌથી વધારે ભાર અધિકારો પર આપ્યો છે. ડોકટરી સારવાર આપણો હક છે પરંતુ ડોક્ટરોને સન્માન આપવું આપણી ફરજ છે.


મૂર્તિકાર રાજકુમારે જણાવ્યું કે, મૂર્તિમાં અટલ બિહારી વાજપેયીની ભાવ-ભંગિમાને ઢાળવાની કોશિશ કરવામાં આવી છે. અટલજીની ભાષા શૈલી અને વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છું.