નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં મહિલા સહકર્મી સાથે છેડતીના આરોપીએ કોર્ટમાં વિચિત્ર દલીલ કરી છે. છેડતીના આરોપમાં અપરાધિક કાર્યવાહીનો સામનો કરી રહેલા એક શખ્સે કેસ રદ્દ કરાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું કે, તે હવે ખુદ મહિલા બની જશે.

આરોપીએ કોર્ટને કહ્યું કે, મને મહિલાઓ પ્રત્યે કોઇપણ જાતનુ આકર્ષણ નથી રહ્યું અને હવે હું જાતે જ લિંગ પરિવર્તન કરાવીને મહિલા બની જાઉં છુ. જોકે, તેની કેસ રદ્દ કરવાની કાર્યવાહીની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

આરોપીએ કોર્ટને કહ્યું કે, હું બાળપણથી જ લૈંગિક ‘ડાયસફોરિયા’થી પીડિત છે. હું કોઇપણ મહિલાની છેડતી નથી કરી શકતો. એટલુ જ નહીં આરોપી કોર્ટમાં મહિલા બનીને, મહિલાના કપડાં પહેરીને પહોંચ્યો હતો. મેકઅપ અને હેરસ્ટાઇલ પણ મહિલાઓના જેવી કરી હતી.

નોંધનીય છે કે, ઓક્ટોબર 2016માં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપી અને પીડિતા બન્ને નોઇડામાં 2014માં એક કંપનીમાં સાથે કામ કરતા હતા. કનૉટ પ્લેસ સ્થિત એક પબમાં સહકર્મીએ મહિલાની છેડતી કરી હતી. મહિલાની છેડતી અંગે કંપનીએ કોઇપણ પગલા ના ભરતાં, તેને છેવટે પોલીસ ફરિયાદ કરી હતી.