Uttarakhand Assembly Election 2022: ઉત્તરાખંડમાં આજે કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરાખંડી સ્વાભિમાન પ્રતિજ્ઞા પત્ર (ઉત્તરાખંડ માટે કોગ્રેસનો ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો છે. કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાંચ લાખ પરિવારને વાર્ષિક 40 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ પાર્ટીએ ચાર લાખ યુવાઓને રોજગારી આપવાનું પણ વચન આપ્યું છે. કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં તમામ ગામને ઘરે જ સ્વાસ્થ્ય સુવિધા આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે. કોગ્રેસે કહ્યું કે રાજ્યમાં ગેસ સિલિન્ડરના ભાવ 500 રૂપિયાને પાર નહી થાય.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી લખ્યું કે કોગ્રેસ પાર્ટી ઉત્તરાખંડના લોકોને રોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આવકની સુરક્ષાની વ્યવસ્થા અને મોંઘવારીથી રાહત આપવાની પ્રતિજ્ઞા લે છે.
પ્રિયંકા ગાંધીએ દેહરાદૂનમાં પાર્ટી ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી સભા અને વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરી જણાવ્યું હતું કે દેશભરમાં શેરડીની બાકી રકમ 14 હજાર કરોડ રૂપિયા છે અને વડાપ્રધાન મોદીએ 16 હજાર કરોડ રૂપિયામાં પોતાના માટે બે હેલિકોપ્ટર ખરીદ્યા છે. હેલિકોપ્ટરોની કિંમત પર બાકી રકમની ચૂકવણી થઇ શકતી હતી પરંતુ તેમણે બે હેલિકોપ્ટરની પસંદગી કરી.
બજેટને લઇને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમે બજેટ જોયું. તેમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે શું હતું.? કાંઇ નહી. આજે સવારે કોઇએ મને કહ્યું કે હીરાની કિંમત ઓછી થઇ છે અને દવાઓની કિંમત વધી છે. હું તમને પૂછવા માંગું છું કે તમે તમારી આંખો ક્યારે ખોલશો?