લખનઉઃ સોનભદ્ર હત્યાકાંડના પરિવારને મળ્યા બાદ કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ 26 કલાક બાદ ધરણા સમાપ્ત કર્યા છે. સાથે કૉંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી છે કે મૃતક પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિદ મદદ કરવામાં આવશે. પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવાર સાથે પ્રેસ કૉન્ફ્રેન્સ પણ કરી હતી.


પત્રકાર પરિષદમાં પીડિત આદિવાસી પરિવારે સોનભદ્રની દુખદ ઘટના અંગે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે “17 તારીખે 11 વાગ્યે કેલાક લોકો બંદૂક-લાકડીઓ સાથે પહોંચી ગયા  હતા અને વિવાદિત જમીનની માપણી કરવા લાગ્યા હતા. અમે લોકોએ જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે અમને મારવા લાગ્યા હતા. અમારી માંગ છે કે ટ્રસ્ટની જમીન આદિવાસીઓ વચ્ચે વહેંચવામાં આવે.”



પીડિતોઓ વધુમાં જણાવ્યું કે જ્યારે અમને ખબર પડી કે પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે તો અમે પોતેજ અહીં આવવાનો નિર્ણય કર્યો હતો. બીએચયૂ ટ્રામા સેન્ટરમાં સારવાર માટે પૈસા માંગવામાં આવ્યા. અમારા પર ગુંડા એક્ટ પણ લગાવાયો. વહીવટી તંત્રને અમે મળ્યા નથી. તેઓ સમજૂતી કરાવવા માંગતા હતા. પરંતુ અમે કહ્યું કે આ મામલો કોર્ટમાં છે. તેઓએ આગળ જણાવ્યું કે તંત્રની સહમતી અને મીલીભગતથી આ ઘટના બની છે. ઘટનાના સવારે પોલીસે ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. આશંકા વ્યક્ત કરી ત્યારે કહ્યું કે કંઈ નહીં થાય.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે રીતે આ ઘટના બની છે તે ખૂબજ ભયાનક છે. ઘટનાસ્થળે 300 લોકો પહોંચ્યા હતા. જે ગોળીથી નથી મર્યા તેને લાકડીથી મારવામાં આવ્યા. મહિલાઓને ઈંટથી મારવામાં આવી. મદદ માટે તંત્ર પણ સમયપર ના પહોંચ્યું. મહિલાઓ પર ખોટા કેસ નોંધવામાં આવ્યા. પીડિત પરિવારોને 25 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ. જમીન પર તેમને માલિકી હક મળે. આ મામલો ફાસ્ટ ટ્રેક કરવામાં આવે. ખોટા કેસો ખતમ કરવામાં આવે. આ તમામની સુરક્ષા જરૂરી છે.

પ્રિયંકાએ વધુમાં કહ્યું, આ મામલે તમામ જવાબદારી યોગી આદિત્યનાથ અને ભાજપની છે. શાસન જનતાની સેવા માટે હોય છે તેને પરેશાન કરવા જોઈએ નહીં, કૉંગ્રેસ પાર્ટી પીડિત પરિવારને દસ-દસ લાખ રૂપિયાની મદદ કરશે. પ્રિયંકાએ કહ્યું ભવિષ્યમાં પીડિતોના ગામની પણ મુલાકાત લઈશ. અમે કાયદાકીય સહાયતા પણ કરીશું.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી ગઈ કાલથી પીડિત પરિવારને મળવા માટે ચુનાર ગેસ્ટ હાઉસમાં ઘરણા પર બેઠા હતા. શુક્રવારે વારાણસીથી સોનભદ્ર જઇ રહેલી પ્રિયંકા ગાંધીને મિર્જાપુરમાં અટકાયત કરવામાં આવી હતી, પ્રિયંકા અહીં કાર્યકર્તાઓ સાથે ધરણાં પર બેસી ગયા હતા.


નોંધનીય છે કે, બુધવારે ઉત્તર પ્રદેશના સોનભદ્રના મૂર્તિયા ગામમાં જમીન વિવાદને લઇને આદિવાસી પરિવારના 10 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આમાં 28 લોકો ઘાયલ પણ થયા હતા. કહેવાઇ રહ્યુ છે કે, મૂર્તિયા ગામના બહારના વિસ્તારમાં સેંકડો વિઘા ખેતરો છે, જેના પર કેટલાક ગ્રામીણો પરંપરાગત-બાપદાદા વખતના ખેતી કરી રહ્યાં છે.