નવી દિલ્હીઃ કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોરોના વિરુદ્ધ યુદ્ધ માટે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. આ પત્રમાં પ્રિયંકા ગાંધીએ કેટલાક સૂચનો સાથે કહ્યું છે કે આ લડાઇમાં આપણે બધા સાથે છીએ. કોરોનાના કારણે થયેલા લોકડાઉન દરમિયાન ગરીબોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. મજૂરોની સાથે ડોક્ટરો માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવે.



પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોગ્રેસ પાર્ટી અને તેના કાર્યકર્તા કોરોના વિરુદ્ધ યુદ્ધમાં સરકારના સહયોગ માટે તૈયાર છે. આ સમય મતભેદોને ભૂલીને દેશ માટે એક થઇને લડવાનો છે. આપણે હાલના સમયમાં ગરીબ લોકોનું  વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. સાથે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દિહાડી મજૂરો, નિર્માણ કાર્યમાં રોકાયેલા મજૂરો, વિધવાઓ, વિકલાંગોના જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે. રસ્તા પર ફસાયેલા મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે.

પ્રિયંકા ગાંધીએ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મચારીઓ અને ડોક્ટરો માટે જરૂરી ઉપકરણોની પણ વ્યવસ્થા કરવાની વાત કરી હતી. તેમના પગારની સાથે સાથે તેમની સુરક્ષા માટે પર્યાપ્ત સાધનો પણ આપવાની વાત કરી હતી.