આઈસ્ક્રીમમાં માણસની આંગળી મળી આવતા FSSAI પશ્ચિમ ક્ષેત્રની ઓફિસે પુણેની એક આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. મલાડ પશ્ચિમમાં એક 26 વર્ષીય ડૉક્ટરે આરોપ લગાવ્યો હતો કે બુધવારે તેને આઈસ્ક્રીમ કોનમાં માણસની આંગળી નીકળી હતી.


FSSAI એ ANIને જણાવ્યું હતું કે, "FSSAI ની પશ્ચિમ ક્ષેત્રની ઓફિસની એક ટીમે આઈસ્ક્રીમ ઉત્પાદકના પરિસરનું નિરીક્ષણ કર્યું છે અને તેનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે." જો કે આ કેસમાં ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવવાનો બાકી છે. FSSAIએ વધુમાં જણાવ્યું હતું કે આઈસ્ક્રીમની ડિલિવરી કરનાર આઈસ્ક્રીમ ઉત્પાદક પૂણેના ઈન્દાપુર સ્થિત છે અને તેની પાસે કેન્દ્રીય લાયસન્સ પણ છે. FSSAI ટીમે વધુ તપાસ માટે ફેક્ટરી પરિસરમાંથી સેમ્પલ એકત્ર કર્યા છે.


શું છે સમગ્ર કેસ?


મુંબઈના મલાડ વિસ્તારમાં એક ડોક્ટર દ્વારા ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમની અંદરથી માણસની આંગળીનો ટુકડો મળી આવ્યો હતો. આ જોઈને ડોક્ટર ડરી ગયા અને મલાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.  જ્યાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈસ્ક્રીમ બ્રાન્ડ યુમ્મો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.


'અખરોટ સમજીને હું ચાવી રહ્યો હતો'


સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં ડોક્ટરે જણાવ્યું કે મેં ત્રણ આઈસ્ક્રીમ ઓનલાઈન ઓર્ડર કર્યા હતા. મે બટરસ્કોચ આઈસ્ક્રીમ લીધો હતો. જ્યારે હું આઈસ્ક્રીમ ખાતો હતો ત્યારે મને મારા મોંમાં કંઈક નક્કર હોય તેવું લાગ્યું. ત્યારે મેં વિચાર્યું કે તે અખરોટ અથવા ચોકલેટનો ટુકડો હોઈ શકે છે પરંતુ મને મારા મોંમાં કંઈક ખૂબ જ સખત લાગ્યું. તે શું છે તે જાણવા માટે જ્યારે હું થૂંક્યો તો હું સ્તબ્ધ થઈ ગયો કારણ કે તે અખરોટ નહીં પણ માનવીની આંગળીના માંસનો ટુકડો હતો. હું વ્યવસાયે ડૉક્ટર છું, તેથી હું સમજી ગયો કે તે અંગૂઠાનો એક ભાગ હતો, તેમાં નખ દેખાઇ રહ્યા હતા. મેં તરત જ આ ટુકડો પોલીસને બતાવવા માટે આઈસપેકમાં મૂક્યો.