પંજાબ આજે બંધ રહેશે. સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર સંઘર્ષ મોરચાએ માંગણીઓના સમર્થનમાં સોમવારે સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી બંધનું એલાન આપ્યું છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંધેરે કહ્યુ હતું કે તેમને તમામ વર્ગોનું સમર્થન છે. દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહેશે. ટ્રેન અને બસ સેવાને પણ અસર થશે. બસ સેવા પણ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. ખેડૂતો અને દૂધવાળાઓએ પણ બંધના સમર્થનમાં શાકભાજી અને દૂધની સપ્લાય કરવાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.






જો કે, પંધેરે જણાવ્યું હતું કે બંધ દરમિયાન કોઈપણ ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જશે નહીં. બંધ શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે. જ્યારે એસજીપીસીએ પણ ખેડૂતોની હડતાળના સમર્થનમાં તેની ઓફિસો અને સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. ખેડૂત આગેવાનોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોને ખનૌરી અને શંભુ સરહદે પહોંચવા હાકલ કરી હતી. ખેડૂત નેતા પંધેરે જણાવ્યું હતું કે તેમના તરફથી છેલ્લા 34 દિવસમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પત્રો લખવામાં આવ્યા છે, પરંતુ કોઈએ તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી અને વાટાઘાટો કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.


કૃષિ વિષયો પર સંસદની સ્થાયી સમિતિના અહેવાલ અને સુપ્રીમ કોર્ટની સમિતિના વચગાળાના અહેવાલમાં એમએસપી ગેરન્ટી કાયદો ઘડવાની તરફેણમાં ભલામણો કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર તે પણ સ્વીકારવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટ પણ આ મામલે કેન્દ્રને કોઈ નિર્દેશ આપી રહી નથી.


ખનૌરી ખાતે ખેડૂતો એકઠા થવા માંડ્યા


બંધને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ ભાગોમાંથી ખેડૂતો ખનૌરી બોર્ડર પર એકઠા થવા લાગ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે ખેડૂતો વિરોધના સમર્થનમાં રસ્તા પર ઉતરવાના છે. વહીવટી તંત્ર પણ તૈયાર છે. ખનૌરી ખાતે ખેડૂતો પહેલેથી જ હાજર હોવા છતાં આજે બંધના કારણે હલચલ વધી ગઇ છે.


ડલ્લેવાલની હાલત ગંભીર, ખેડૂતોએ સુરક્ષા વધારી


જગજીત સિંહ ડલ્લેવાલના આમરણાંત ઉપવાસને 34 દિવસ થઈ ગયા છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત નાજુક છે. તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું છે જેના કારણે તે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તેમને જલદી હોસ્પિટલ લઈ જવાની જરૂર છે.