કોરોના વાયરસના સંક્રમણને લઈ પંજાબ સરકારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ એક મહિના સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. પંજાબમાં શાળાઓ કોરોના હોટસ્પોટ બની હોવાથી 13 માર્ચે શાળાઓ બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી વિજય ઈન્દર સિંગલાએ શુક્રવારે સરકારી, બિનસરકારી અને ખાનગી શાળાઓના તમામ ધોરણ માટે વચગાળાની રજા જાહેર કરીને શાળાઓ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો હતો.
પંજાબમાં 12 મા ધોરણની પરીક્ષા 22 માર્ચ અને 10 મા ધોરણની પરીક્ષા 09 એપ્રિલની શરુ થવાની હતી પરંતુ હવે નવા ટાઈમટેબલ અનુસાર, ધોરણ 12ની પરીક્ષા 20 એપ્રિલ અને 10 મા ધોરણની પરીક્ષા 4 મે થી શરુ થશે. પંજાબની અમરિન્દર સિંહની સરકારે રાજ્યની શાળાઓ પણ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
પંજાબમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા પટિયાલા, લુધિયાણા, ફતેહગઢ સાહિબ સહિત મોહાલી સહિત 8 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. નાઈટ કર્ફ્યુ રાતના 11 થી સવારના 4 વાગ્યા સુધી અમલમાં રહેશે. પંજાબના આરોગ્યપ્રધાન બલબીર સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે અમે એક દિવસમાં 30,000 ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ. હાલમા તો રાજ્યમાં સંપૂર્ણ લોકાડાઉન લાદવાનું કોઈ આયોજન નથી અને લોકડાઉનનો અંગેનો કોઈ નિર્ણય મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ કરશે.