નવી દિલ્હી: હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ દેશની દીકરીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. આ ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો રેપિસ્ટને કડક સજા કરવાની માંગ કરી રહ્યાં છે. તેની વચ્ચે અલગ અલગ રાજ્યોનું પ્રશાસન મહિલાઓની સુરક્ષા માટે અલગ અલગ જાહેરાત કરી રહ્યું છે. હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યની મહિલાઓની સુરક્ષા માટે મોટી જાહેરાત કરી છે.


મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મહિલા માટે પોલીસ મદદની જાહેરાત કરતા કહ્યું કે, જો કોઈ મહિલા રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે કોઈક જગ્યાએ ફસાઈ જાય તો, તે પોલીસને કૉલ કરીને જાણ કરે અને પોલીસ તેમને સુરક્ષાપૂર્વક ઘર સુધી મુકી જશે. તેના અંતર્ગત એક સુવિધાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેના દ્વારા રાજ્યભરની મહિલાઓ 100, 112 અને 181 નંબર પર કૉલ કરી શકશે અને તેના દ્વારા તે તરત પોલીસ કંટ્રોલ રૂમ(પીસીઆર) સાથે જોડાઈ શકશે.