PM Modi Rally Cancelled In Punjab: પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની રેલી રદ કરવામાં આવી છે. પીએમ મોદી દિલ્હી પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર મામલે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. એગ્રીકલ્ચર એક્ટને રદ્દ કર્યા પછી પીએમ મોદીની પંજાબની આ પહેલી મુલાકાત હતી, જ્યારે તેઓ ત્યાંના લોકોને સંબોધિત કરશે. આ રેલીમાં પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પણ સામેલ થવાના હતા. સૂત્રોના મતે દિલ્હી પરત ફરતી વખતે વડાપ્રધાન મોદીએ ભટિંડા એરપોર્ટ પરના અધિકારીએ કહ્યુ કે તમારા મુખ્યમંત્રીનો આભાર માનશો કારણ કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવિત પરત ફર્યો છું.




ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી બાદ કાફલો પરત ફર્યો હતો. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને સુરક્ષામાં ચૂકને લઇને જવાબદારી નક્કી કરવા અને કડક કાર્યવાહી કરવા કહ્યું કે જે સમયે આ ઘટના બની ત્યારે વડાપ્રધાન ભટિંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જઇ રહ્યા હતા.


સૂત્રોના મતે પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક ફક્ત સ્થાનિક પોલીસની જ નહી પરંતુ કેન્દ્રિય જાસૂસી અને સુરક્ષા એજન્સીઓની પણ છે. શું કેન્દ્રિય એજન્સીઓને આ પ્રદર્શનને લઇને કોઇ જાણકારી નહોતી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય આ અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરાવી શકે છે.




ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આજે સવારે પીએમ મોદી ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ, વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે પીએમ મોદીએ લગભગ 20 મિનિટ રાહ જોવી પડી હતી.પરંતુ, હવામાન ચોખ્ખું ન રહેતાં તેઓ રોડ મારફતે નેશનલ મેમોરિયલની મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, તેમાં 2 કલાકથી વધુ સમય લાગ્યો હશે. પંજાબ પોલીસના ડીજીપી તરફથી જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા પછી, તેણે આગળની યાત્રા શરૂ કરી. ગૃહ મંત્રાલયે વધુમાં કહ્યું કે જ્યારે પીએમ મોદીનો કાફલો હુસૈનવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર ફ્લાયઓવર પાસે પહોંચ્યો ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ ત્યાં રસ્તો રોકી દીધો હતો.


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે મતદાતાઓના હાથથી હાર મળ્યા બાદ પંજાબની કોગ્રેસ સરકારે રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર્યક્રમોને નિષ્ફળ કરવાના તમામ પ્રયાસો કર્યા છે. નડ્ડાએ કહ્યું કે આમ કરવામાં તેમને એ ખ્યાલ નથી કે વડાપ્રધાને ભગતસિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની છે અને મહત્વના વિકાસ કાર્યોની આધારશિલા રાખવાની છે. પંજાબની કોગ્રેસ સરકારે બતાવી દીધું છે તે વિકાસ વિરોધી છે અને સ્વતંત્રતા સેનાનીઓ માટે તેમના મનમાં કોઇ સન્માન નથી.