નવી દિલ્હીઃ પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું મંગળવારે એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. નોંધનીય છે કે દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. જાણકારી અનુસાર, આ રોડ અકસ્માત દિલ્હીની પાસે સોનીપતમાં થયો હતો. Deep Sidhu પોતાની ફિયાન્સી રીના રાય સાથે કારમાં સવાર થઇ દિલ્હીથી પંજાબ આવી રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસના મતે કેએમપી પર પિપલી ટોલ પ્લાઝા પાસે અકસ્માત થયો હતો. જોકે, ફિયાન્સી રીનાની હાલત સ્થિર છે. દીપ સફેદ રંગની સ્કોર્પિયો જાતે જ ડ઼્રાઇવ કરી રહ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, દીપ સિદ્ધુના મૃતદેહને ખરખૌડા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. અકસ્માતની જાણકારી મળતા તેના ચાહકો શોકમાં ડૂબ્યા હતા. નોંધનીય છે કે દીપ સિદ્ધુનું નામ ખેડૂતોના આંદોલન દરમિયાન ખૂબ ચર્ચામાં આવ્યું હતું. આ સાથે દીપ સિદ્ધુ દિલ્હીના લાલ કિલ્લામાં થયેલી હિંસા કેસમાં પણ આરોપી હતો.
દીપ સિદ્ધુના નિધનની જાણકારી આપતા હરિયાણા પોલીસે કહ્યું કે તેની કાર પિપલી ટોલ પાસે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ પર ઉભેલી એક ટ્રક સાથે ટકરાઇ હતી. દીપના નિધન પર પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરતા કહ્યું કે જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર્તા દીપ સિદ્ધુના નિધનના સમાચાર સાંભળી દુઃખી છું. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમના પરિવાર અને ફેન્સ સાથે છે.