નવી દિલ્હી: ફ્રાન્સથી આવેલા પાંચ રાફેલ ફાઇટર જેટ ભારતના અંબાલા એરબેઝ પર પહોંચી ગયા છે. સૌથી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, રાફેલ વિમાનોનું ભારતમાં આવવું આપણા સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે. મને ખુશી છે કે, ભારતીય વાયુ સેનાની યુદ્ધની ક્ષમતા પર યોગ્ય સમયે મજબૂતી મળી છે.



રાજનાથ સિંહે કહ્યું, “આપણી નવી ક્ષમતાથી તે લોકોએ ચિંતા કરવી જોઈએ જે આપણી ક્ષેત્રીય અખંડિતતાને જોખમમાં મુકવા માંગે છે. ”



ફ્રાન્સના બંદરગાહ શહેર બોર્ડેઓસ્કમાં મેરીગ્નેક વાયુસેના એરબેઝ પરથી સોમવારે રવાના થયેલા પાંચ રાફેલ વિમાનોનો પહેલો જથ્થો આજે અંબાલા એરબેઝ પર પહોંચી ચૂક્યો છે. અહીં એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ એક ઔપચારિક સમારોહમાં આ વિમાનોને રિસીવ કર્યા હતા.