નવી દિલ્હીઃ કર્ણાટકમાં રાજનીતિક વિવાદ પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. બીજેપી અને કોગ્રેસની તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને આવતીકાલે સાંજે ચાર વાગ્યે બહુમત સાબિત કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું કે, કર્ણાટકના રાજ્યપાલ ગેરબંધારણીય કામ કરી રહ્યા છે તેવા અમારા મતને સુપ્રીમ કોર્ટના આદેશે સાચો સાબિત કર્યો છે.


વધુમાં રાહુલે કહ્યું કે, બીજેપી નંબર ન હોવા છતાં સરકાર બનાવવાનો પ્રયાસો કરી રહી છે. હવે બીજેપી પૈસા અને પાવરનો ઉપયોગ કરીને સરકાર રચવાનો પ્રયાસ કરશે.સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, બહુમત દરમિયાન ડીજીપી તમામ ધારાસભ્યોને સુરક્ષા આપશે. બહુમત સાબિત કરતા અગાઉ મુખ્યમંત્રી યેદુરપ્પા કોઇ નીતિગત નિર્ણય લેશે નહી. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે કોઇ એગ્લો ઇન્ડિયનને સભ્યપદ આપવા પર રોક લગાવી હતી.