Rahul Gandhi Attacks PM Modi: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના વ્યાપારી કરારને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. લોકસભાના વિપક્ષી નેતા (Leader of Opposition) રાહુલ ગાંધીએ મંગળવારે, 2 February, 2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો અને આકરો હુમલો કર્યો છે. સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદી ભારે દબાણ (Pressure) હેઠળ કામ કરી રહ્યા છે.
તેમણે સનસનીખેજ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન સાથે 'સમાધાન' (Compromise) કરવામાં આવ્યું છે. રાહુલે ઉગ્ર સ્વરે કહ્યું કે, "આ કરાર કરીને સરકારે ભારતીય ખેડૂતોના લોહી અને પરસેવાનું શોષણ કર્યું છે." તેમના મતે, મોદી સરકારે વિદેશી દબાણમાં આવીને દેશના હિતો સાથે ચેડા કર્યા છે અને ભારતીય ખેડૂતોની મહેનતને વેચી દીધી છે.
રાહુલ ગાંધીએ ડીલના ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા દાવો કર્યો હતો કે જે વેપાર કરાર (Trade Deal) છેલ્લા 4 મહિનાથી અટકેલો હતો, તેના પર અચાનક ગઈકાલે રાત્રે હસ્તાક્ષર કેમ થઈ ગયા? તેમણે કટાક્ષ કર્યો કે, "કોઈક કારણોસર પીએમ મોદીએ આ ડીલ સાઈન કરી છે. તેઓ ડરેલા છે કે હજારો કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલી તેમની જે 'ઈમેજ' છે, તે ફાટી જશે."
કોંગ્રેસ નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે દેશની જનતાએ હવે એ શોધવું પડશે કે વડાપ્રધાન સાથે કોણે અને કેવી રીતે 'ડીલ' કરી છે. આ સાથે જ તેમણે સંસદમાં પણ આ મુદ્દે બોલવા ન દેવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતા અટકાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ સાંસદે ખેડૂતોના મુદ્દાને જોરશોરથી ઉઠાવતા કહ્યું હતું કે, "ભારતીય ખેડૂતોએ એ સમજવાની જરૂર છે કે આ કરારમાં તમારી મહેનત વેચવામાં આવી છે. મોદીજીએ માત્ર તમને જ નહીં, પણ આખા દેશને વેચી દીધો છે." તેમનો સીધો આરોપ હતો કે આ કરારથી ભારતીય કૃષિ ક્ષેત્ર પાયમાલ થશે અને ખેડૂતો બરબાદ થઈ જશે.
વિપક્ષના આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ અમેરિકાના કૃષિ મંત્રી (US Agriculture Secretary) બ્રુક રોલિન્સે કરેલું એક નિવેદન છે. રોલિન્સે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, "આ ડીલથી અમેરિકન ખેડૂતોના ઉત્પાદનો હવે ભારતીય બજારમાં વેચાશે અને અમેરિકાના ગામડાઓમાં પૈસો આવશે."
આ નિવેદનને ટાંકીને કોંગ્રેસે દલીલ કરી છે કે હવે ભારતીય ખેડૂતોએ પોતાના જ દેશમાં અમેરિકન ઉત્પાદનો સાથે સ્પર્ધા કરવી પડશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થશે. પાર્ટીનો આરોપ છે કે મોદી સરકારે ભારતીય ખેડૂતોના હિતોને નેવે મૂકીને અમેરિકન ખેડૂતોને ફાયદો કરાવવા માટે આ પગલું ભર્યું છે.
