નવી દિલ્હીઃ કોગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સિંધિયા કોઇ પણ સમયે મારા ઘરે આવી શકતા હતા. રાહુલે કહ્યુ કે, તે કોગ્રેસના એકમાત્ર એવા નેતા હતા જે કોઇ પણ સમયે મારા ઘરે આવી શકતા હતા. વાસ્તવમાં મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાનો સિંધિયાએ સમય માંગ્યો હતો પરંતુ તેમણે સમય આપ્યો નહોતો. જેના પર પ્રતિક્રિયા આપતા રાહુલે આ નિવેદન આપ્યું હતું.


રાહુલ ગાંધીએ મળવાનો સમય ના આપવાના  અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. નોંધનીય છે  કે આજે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં સિંધિયા ભાજપમાં સામેલ થયા હતા. તેમણે કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે, તે અગાઉ જેવી પાર્ટી રહી નથી. કોગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોગ્રેસ જડતાનો શિકાર થઇ ગઇ છે અને નવા નેતૃત્વ માટે યોગ્ય વાતાવરણ નથી.

આ અગાઉ રાહુલ ગાંધીએ ટ્વિટર પર કહ્યુ કે વડાપ્રધાન એક ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવામાં વ્યસ્ત છે. વૈશ્વિક તેલની કિંમતોમાં 35 ટકાનો ઘટાડો થયો છે અને તમે તેને નોટિસ કરવામાં ચૂકી ગયા છો. શું ભારતીયોને આ ઘટાડાનો લાભ મળશે.