કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મણિપુર પહોંચ્યા હતા. ઈમ્ફાલ પહોંચ્યા બાદ તેઓ રાહત શિબિરોની મુલાકાત લેવા માટે ચુરાચાંદપુર જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેમના કાફલાને રસ્તામાં અટકાવી દીધો હતો.






મળતી માહિતી મુજબ, રાહુલના કાફલાને ઇમ્ફાલ નજીક લગભગ 20 કિમી પહેલા  બિષ્ણુપુર જિલ્લામાં અટકાવવામાં આવ્યો હતો. વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટનાઓને જોતા પોલીસે તેમને આગળ જવા દીધા નહોતા. લાંબા સમય સુધી પરવાનગી ન મળતા રાહુલ ઇમ્ફાલ પરત ફર્યા હતા.






દરમિયાન રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ સ્થળ પર હોબાળો મચાવ્યો હતો. કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા કડક કાર્યવાહી કરવી પડી હતી. પોલીસે કાર્યકરોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.






કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું હતું કે, વડાપ્રધાન પોતે મણિપુર નહીં જાય અને જો રાહુલ ગાંધી હિંસા અને નફરતના આ વાતાવરણને શાંત કરવા જશે તો તેમને રોકવામાં કોઈ કસર છોડશે નહીં. આખરે ડર શેનો છે?


કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા


આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના કાફલાને પોલીસે બિષ્ણુપુર પાસે રોકી દીધો છે. પોલીસનું કહેવું છે કે તેઓ અમને પરવાનગી આપી શકે તેવી સ્થિતિમાં નથી. રાહુલ ગાંધીને આવકારવા માટે લોકો રસ્તાની બંને બાજુ ઉભા છે. અમે સમજી શકતા નથી કે તેઓએ અમને કેમ રોક્યા? તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની આ મુલાકાત પીડિત લોકોને મળવા માટે છે. અમે લગભગ 20-25 કિમી સુધી મુસાફરી કરી, પરંતુ ક્યાંય રસ્તા પર નાકાબંધી નહોતી. રાહુલ ગાંધી કારની અંદર બેઠા છે. મને ખબર નથી કે સ્થાનિક પોલીસને કોણે સૂચના આપી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે વડાપ્રધાન મૌન રહેવાનું પસંદ કરી શકે છે, પરંતુ મણિપુરી સમાજના તમામ વર્ગોને સાંભળવા અને મદદ કરવાના રાહુલ ગાંધીના પ્રયાસો કેમ અટકાવવામાં આવી રહ્યા છે?


શું કહ્યું પોલીસે ?


પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રસ્તામાં હિંસા થવાની આશંકાને કારણે કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. બિષ્ણુપુર જિલ્લાના ઉટલુ ગામ પાસે હાઇવે પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા અને કાફલા પર કેટલાક પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. આવી ઘટનાઓનું પુનરાવર્તન થવાની અમને આશંકા છે. તેથી સાવચેતીના ભાગરૂપે અમે કાફલાને બિષ્ણુપુરમાં રોકવા માટે વિનંતી કરી છે