કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હજી થોડા દિવસ પહેલા જ તેમની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ હતી.. ત્યાર બાદ રાહુલ ગાંધીને તેમનો સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. હવે ઓછું હોય તેમ તેમની સામે હરિદ્વાર કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે રાહુલ ગાંધી માટે એક સારા સમાચાર પણ આવ્યા છે.



RSS કાર્યકર કમલ ભદોરિયાએ આ કેસ નોંધ્યો છે. આ મામલે 12 એપ્રિલે સુનાવણી થશે. હરિદ્વાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ II શિવ સિંહની કોર્ટે આ કેસ સ્વીકાર્યો છે.

શું છે મામલો?

આ કેસ રાહુલ ગાંધી પર આરએસએસને આજના કૌરવ કહેવા અને પૂજારીઓ વિરુદ્ધ આપેલા નિવેદન માટે દાખલ કરવામાં આવ્યો છે. હરિદ્વાર સીજેએમ કોર્ટમાં આપવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 9 જાન્યુઆરી, 2023ના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં એક જનસભા દરમિયાન આરએસએસને આધુનિક યુગના કૌરવો ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આજના કૌરવો લાકડીઓ લઈને હાફ પેન્ટ પહેરે છે અને શાખાઓ લગાવે છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર RSS કાર્યકર કમલ ભદોરિયાએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

રાહુલ પર હુમલો

ભદોરિયાએ પૂજારીઓ વિરુદ્ધ નિવેદન આપવા બદલ રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા છે. અરજીમાં ભદોરિયાએ કહ્યું હતું કે, રાહુલે પૂજારીઓ અને સનાતનીઓને તોડતું નિવેદન આપ્યું છે. આવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના વિવિધ મંદિરોમાં પૂજા કરવા છતાં કોંગ્રેસના નેતાએ આવું નિવેદન આપ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીને 11 જાન્યુઆરીએ લીગલ નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં તેમને આ નિવેદન માટે માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

જાહેર છે કે, મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલ થઈ હતી. આ પછી તેમની લોકસભાની સદસ્યતા જતી રહી હતી. જો કે, તેણે આ નિર્ણયને પડકારવા માટે હજુ સુધી ઉચ્ચ અદાલતમાં અપીલ કરી નથી. સુરત કોર્ટે રાહુલ ગાંધીને અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો.

રાહુલને રાજધાની દિલ્હીમાં મળી મોંઘીદાટ ગિફ્ટ

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ દિલ્હીની એક મહિલાએ પોતાનું ચાર માળનું ઘર રાહુલ ગાંધીના નામે કરી દીધું છે. રાજકુમારી ગુપ્તાએ દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં એક 4 માળનું ઘર રાહુલ ગાંધીના નામે કરી દીધું છે. રાજકુમારી ગુપ્તા દિલ્હી કોંગ્રેસ સેવા દળ સાથે સંકળાયેલી છે. લોકસભાના સભ્યપદેથી અયોગ્ય જાહેર કરાયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં તેમનો સરકારી બંગલો ખાલી કરવા કહેવામાં આવ્યું છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સદસ્યતા ગુમાવ્યા બાદ કોંગ્રેસે મેરા ઔર રાહુલ ગાંધીના ઘરનો પ્રચાર કર્યો હતો. ગયા અઠવાડિયે લોકસભામાંથી રાહુલ ગાંધીની ગેરલાયકાતના પગલે હાઉસિંગ પરની ગૃહ સમિતિએ કોંગ્રેસના નેતાને 12 તુઘલક લેન ખાતેનો તેમનો સત્તાવાર બંગલો ખાલી કરવા નોટિસ મોકલી છે.

ગુજરાતના સુરતની એક અદાલતે 23 માર્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમની 'મોદી અટક' ટિપ્પણી બદલ 2019 માં તેમની સામે દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. બીજા દિવસે 24 માર્ચે તેમને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ગેરલાયક ઠરેલા સભ્યે તેની સભ્યપદ સમાપ્ત થયાના એક મહિનાની અંદર સત્તાવાર બંગલો ખાલી કરવાનો રહેશે.