કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાની માંગ કરતા રાહુલે કહ્યું કે અમે એ લોકોની યાદી તૈયાર કરીને આપીશું જે આંદોલનમાં માર્યા ગયા છે. સરકાર તેઓને વળતર આપશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલા ખેડૂતોના મોત આંદોલન દરમિયાન થયા છે જેનો ડેટા સરકાર પાસે નથી. સરકાર પાસે નથી તો અમારી પાસે છે, અમે તેઓને આપીશું. રાહુલે કહ્યુ કે સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર ખેડૂતોને વળતર આપશે તો કૃષિ મંત્રાલયે કહ્યું કે સરકાર પાસે તેનો કોઇ ડેટા નથી એટલા માટે કોઇ સવાલ પેદા થતો નથી. અમે તેના પર કામ કર્યું છે. 500 લોકોના નામ તો અમારી પાસે છે જેઓને પંજાબ સરકારે વળતર અને નોકરી આપી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાસે એવા 403 લોકોની યાદી છે જેમને પંજાબ સરકારે પાંચ લાખ રૂપિયાનું વળતર આપ્યું છે અને 152 લોકોને નોકરી આપી છે. અમારી પાસે 100 એવા લોકોના નામ છે જેઓને અન્ય રાજ્યોએ વળતર આપ્યું છે. ત્રીજી એવી યાદી છે જે સાર્વજનિક સૂચનામાં છે અને સરળતાથી વેરિફાય કરી શકાય છે. પરંતુ સરકાર કહે છે કે એવી કોઇ યાદી છે જ નહીં.
આ અગાઉ રાહુલે ટ્વિટમાં લખ્યું કે જ્યારે વડાપ્રધાન મોદી કૃષિ વિરોધા કાયદો બનાવવા માટે માફી માંગી લીધી છે તો તે સંસદમાં જણાવે કે પ્રાયશ્વિત કેવી રીતે કરશે. લખીમપુર મામલાના મંત્રીને ક્યારે દૂર કરશે. શહીદ ખેડૂતોને વળતર ક્યારે અને કેટલું આપશે? એમએસપી પર કાયદો ક્યારે? આ વિના માફી અધૂરી છે.