Rahul Gandhi Detained Delhi: મંગળવારે (21 જુલાઈ, 2026) દિલ્હીમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહીના વિરોધમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિતના અનેક વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન (7 લોક કલ્યાણ માર્ગ) બહાર ઉગ્ર દેખાવો કર્યા હતા. આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ દિલ્હી પોલીસે તમામ નેતાઓને બસમાં બેસાડીને વિરોધ સ્થળ પરથી હટાવ્યા હતા અને તેમની અટકાયત કરી લીધી હતી. જોકે, અટકાયત બાદ પણ રાહુલ ગાંધીના તેવર આકરા રહ્યા હતા. તેમણે સરકારને સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે, "મોદીજી, તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરી લો, તમારી બધી શક્તિ વાપરી લો, પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની આ લડાઈ હવે કોઈ પણ સંજોગોમાં અટકશે નહીં."
"તમારે અત્યાચારોનો જવાબ આપવો પડશે"
પોલીસ કાર્યવાહી અને સરકાર પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "તમે ભલે અમારી ધરપકડ કરો કે પછી અમને જેલમાં ધકેલી દો, તેનાથી કોઈ જ ફરક નથી પડતો. અમારા આ સત્યાગ્રહની તાકાત મોદી સરકારની તાકાત કરતા ઘણી મોટી છે. તમારે અમારા બાળકો (વિદ્યાર્થીઓ) પર ગુજારેલા અત્યાચારનો જવાબ આપવો જ પડશે." આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારનો પ્રતીકાત્મક વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસના નેતાઓએ પોતાના હાથમાં હાથકડી પણ પહેરી હતી. પીએમ આવાસ બહાર 'વડાપ્રધાન રાજીનામું આપો', 'ગુંડાગીરી નહીં ચાલે' અને 'વિદ્યાર્થીઓને ન્યાય આપો' ના નારાઓ સતત ગુંજી ઉઠ્યા હતા. વિરોધ શરૂ થયાની થોડી જ વારમાં પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓની અટકાયત કરી હતી. અગાઉ ચરણજીત સિંહ ચન્ની, સુખજિંદર સિંહ રંધાવા અને શશિકાંત સેંથિલ સહિતના લોકસભા સભ્યોને પણ પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
સરકાર તરફથી સમજાવટનો પ્રયાસ નિષ્ફળ
આ મેગા પ્રોટેસ્ટ વચ્ચે, વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ સચિવ ગોવિંદ મોહન રૂબરૂ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે રાહુલ ગાંધીને આ વિરોધ પ્રદર્શન સમેટી લેવા માટે અપીલ કરી હતી. પરંતુ રાહુલ ગાંધી પોતાની માંગ પર મક્કમ રહ્યા. તેમણે દેશભરના લોકોને અપીલ કરતા કહ્યું કે, જેઓ પણ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગે છે તેઓ આ લડાઈમાં જોડાય. રાહુલે સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓ પર થયેલો હુમલો એ માત્ર એક વર્ગ પર નહીં, પરંતુ દેશના દરેક પરિવાર પર થયેલો હુમલો છે, અને સરકારે તેની સંપૂર્ણ જવાબદારી લેવી જ પડશે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
પીએમ અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ
રાહુલ ગાંધીએ સીધી રીતે પીએમ મોદી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરતા આરોપ લગાવ્યો કે, સરકાર આ મામલે જવાબદારી લેવા પણ તૈયાર નથી અને સંસદમાં કોઈ ચર્ચા પણ થવા દેતી નથી. આ મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ સરકારને ઘેરતા કહ્યું હતું કે, વિપક્ષ આ ગંભીર મુદ્દા પર સંસદના ગૃહમાં ચર્ચા કરવા માંગે છે, પરંતુ તેમને બોલવાની તક આપવામાં આવતી નથી. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલી બર્બર પોલીસ કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ આંદોલન શરૂ કરતા પહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત કરી હતી. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર, દિગ્ગજ નેતા જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા, પવન ખેડા સહિત અનેક સાંસદો અને વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.
