નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ અન્ય દેશની દખલની જરૂરત નથી. તેની સાથે જ રાહુલ ગાંધીએ પાકિસ્તાનની ઝાટકણી કાઢતા તેને આતંકવાદનો પ્રમુખ સમર્થક દેશ ગણાવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “હું આ સરકારના અનેક મુદ્દા સાથે અસહમત છું. પરંતુ હું એ બિલકુલ સ્પષ્ટ કરવા માગુ છું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને તેમાં પાકિસ્તાન કે અન્ય કોઈ દેશની દખલ માટે કોઈ સ્થાન નથી.”



રાહુલ ગાંધીએ બીજા ટ્વિટમાં લખ્યું, “જમ્મુ કાશ્મીરમાં હિંસા થઈ છે. હિંસા છે કારણ કે તે પાકિસ્તાન દ્વારા ઉકસાવામાં આવેલી અને સમર્થિત છે જેને વિશ્વભરમાં આંતકવાદનો મુખ્ય સમર્થક માનવામાં આવે છે.”

જણાવીએ કે, રાહુલ ગાંધીનું આ ટ્વિટ પાકિસ્તાનને જવાબ ગણવામાં આવે છે. પાકિસ્તાને હાલમાં જ કાશ્મીરને લઈને સંયુક્ત રાષ્ટ્રને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં પાકિસ્તાને રાહુલ ગાંધીના ટ્વિટનો ઉલ્લેખ કરતા કાશ્મીરમાં સામાન્ય નાગરિકો પર હિંસાની વાત કહેવામાં આવી હતી. પત્રમાં પાકિસ્તાને મેહબૂબા મુફ્તીના ટ્વીટને પણ સામેલ કર્યું છે.