Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે (1 માર્ચ 2025) અચાનક નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.  અહીં તેમણે કુલીઓ સાથે મુલાકાત કરી અને તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડનો ઉલ્લેખ કરતા, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે કેવી રીતે કુલીઓએ પ્લેટફોર્મ પર લોકોની મદદ કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.

અકસ્માતોમાંથી શીખવું જરૂરી છે- રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઘણીવાર અંધકાર સમયમાં માનવતાનો પ્રકાશ સૌથી વધુ ચમકતો હોય છે. તેમણે કહ્યું, "નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ દરમિયાન, કુલી ભાઈઓએ માનવતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું અને ઘણા મુસાફરોના જીવ બચાવ્યા. આ માટે, હું આજે દેશવાસીઓ વતી તેમનો આભાર માનું છું, પરંતુ આવા અકસ્માતોમાંથી શીખવું મહત્વપૂર્ણ છે.  ભીડ નિયંત્રણ, આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ, સારુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આપાતકાલીન વ્યવસ્થાઓને મજબૂત કરી તેને રોકી શકાય  છે.  આશા છે કે આ દિશામાં સરકાર યોગ્ય પગલા ભરશે જેથી દરેક વર્ગના પ્રવાસી સુરક્ષિત યાત્રા કરી શકે. 

કુલીઓએ રાહુલ ગાંધી સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી હતી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કુલીઓ સાથે 40 મિનિટ વિતાવી હતી. કુલીઓએ રાહુલ ગાંધીને મેડિકલ સહિત અનેક સુવિધાઓ સહિતની અનેક માંગણીઓ જણાવી હતી. તેમણે કહ્યું કે અમે ખુશ છીએ કે રાહુલ ગાંધી અમને મળવા અહીં આવ્યા. આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધી અચાનક રેલવે સ્ટેશન પર પહોંચ્યા હોય. વર્ષ 2023માં તેમણે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

આનંદ વિહારમાં, તેમણે કુલીનો ડ્રેસ પહેર્યો હતો અને તેના માથા પર સામાન પણ રાખ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા પ્રસંગોએ એવું જોવા મળ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામાન્ય લોકોની વચ્ચે જાય છે અને તેમની ખબર-અંતર પૂછે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, રાહુલ ગાંધી અચાનક શાકભાજી ખરીદવા બજારમાં ગયા હતા, જ્યાં તેમણે મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને સમસ્યાઓ વિશે પૂછ્યું હતું.