નવી દિલ્હી: રાહુલ ગાંધીએ દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ વધતા કોરોનાના કેસનો ગ્રાફ શેર કરીને કટાક્ષ કર્યો છે.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, “કોરોનાના ગ્રાફમાં ઘટાડો નથી થઈ રહ્યો, ભયાનક બની રહ્યો છે. જો પીએમની આ‘સ્થિતિ અંકુશ’માં છે તો, ‘બગડેલી સ્થિતિ’કોને કહેશો. ”



ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, સમયસર યોગ્ય નિર્ણય લેવાના કારણે કોરોનાના કેસ મામલે ભારતની સ્થિતિ અન્ય દેશોના મુકાબલે અંકુશમાં છે, તેમણે કહ્યું હતું કે, આજે ભારતમાં પાંચ લાખથી વધુ ટેસ્ટ દરરોજ થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં તેને 10 લાખ પ્રતિદિન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના કેસ રેકોર્ડ બ્રેક 66, 999 કેસ સામે આવ્યા છે. તેની સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 23,96,637 થઈ ગઈ છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 16,95,982 લોકો સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 70.77 ટકા છે.

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે.