નવી દિલ્હીઃ પાકિસ્તાન ફાઇટર વિમાનોએ ભારતીય સરહદમાં ઘૂસીને આપણા સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બંન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિમાં વધારો થયો હતો. પરંતુ આ અગાઉ એલર્ટ ભારતીય એરફોર્સે પાકિસ્તાની ફાઇટર જેટને પાછા ધકેલી દીધા હતા પરંતુ આ કાર્યવાહીમાં ભારતનું એક મિગ-21 ફાઇટર જેટ વિમાન ક્રેશ થઇ ગયું હતું અને તેનો પાયલટ ગુમ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષી નેતાઓએ સરકારને અપીલ કરી હતી કે ભારતની એકતા, અખંડિતતા, અને સંપ્રભુતાની રક્ષા માટે તમામ વિપક્ષ પાર્ટીઓને વિશ્વાસમાં લેવા જોઇએ.


કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુમ ભારતીય પાયલટ સુરક્ષિત પાછો ફરે તેવી ઇચ્છા જાહેર કરી હતી. વિપક્ષી દળોની સંયુક્ત બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં સુરક્ષાની સ્થિતિ પર તમામ વિપક્ષ પાર્ટીઓએ ચિંતા વ્યક્ત કરી છે. સાથે રાહુલે કહ્યું કે, તમામ વિપક્ષ પાર્ટીના નેતાઓએ પાકિસ્તાન તરફથી કરવામાં આવતી કાર્યવાહીની નિંદા કરી હતી.



રાહુલ ગાંધીએ વિદેશ મંત્રાલયની  પ્રેસ કોન્ફરન્સને ટાંકીને કહ્યું કે, આપણું એક જેટ પાકિસ્તાન વિરુદ્ધની કાર્યવાહીમાં ક્રેશ થઇ ગયું છે જેના પર તમામ નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે. સાથે નેતાઓએ ગુમ ભારતીય એરફોર્સના પાયલટ સકુશળ પાછો ફરે તેવી કામના કરી હતી.