Rahul Gandhi London Speech Row: લંડનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ભાષણના પ્રત્યાઘાત હવે સંસદમાં પડ્યા છે. સંસદમાં ભાજપના સાંસદોએ રાહુલને માફી માંગવા અને તેમની સામે કેસ નોંધવાની માંગ કરી હતી. રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. સંસદની વિશેષાધિકાર સમિતિ લંડનમાં રાહુલ ગાંધીના ભાષણની સુઓમોટો સંજ્ઞાન લઈ શકે છે. મહત્વની વાત એ છે કે, કેટલાક વિરોધ પક્ષો પણ રાહુલ ગાંધીની વાત સાથે સહમત નથી. 


વિશેષાધિકાર સમિતિ હાલમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીના ભાષણનો મુદ્દા જોઈ રહી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અને બીજેપી સાંસદ નિશિકાંત દુબેની ફરિયાદ પર સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે. શુક્રવારે જ સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસના ભંગ અંગે સંસદીય સમિતિ સમક્ષ તેમનું નિવેદન નોંધ્યું હતું અને તેમની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવાની માંગ કરી હતી.


કેવો રહ્યો બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રથમ દિવસ


બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે શાસક પક્ષના સાંસદોએ વધુ હોબાળો મચાવ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ ભાજપના સાંસદોએ બંને ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને ગૃહમાં આવીને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. રાહુલના નિવેદનને લઈને સમગ્ર પાર્ટીએ એકસાથે હુમલો કર્યો. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે લોકસભા સ્પીકર ઓમ બિરલા પાસે તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.


"લોકસભા અને દેશનું અપમાન છે"


ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધી તેમની યુકે મુલાકાત દરમિયાન ટુકડે-ટુકડે ગેંગની માફક બોલ્યા હતા. તેઓ સંસદમાં ઘણું બોલ્યા છે, પરંતુ લંડનમાં તેમણે કહ્યું કે, તેમને બોલવા દેવામાં આવતા નથી અને માઈક બંધ કરી દેવામાં આવે છે. મને લાગે છે કે આ લોકશાહી પર હુમલો છે અને લોકસભા અને દેશનું અપમાન છે.


રાહુલ ગાંધી માફી નહીં માંગે : કોંગ્રેસ


બીજી તરફ વિપક્ષી દળોએ પણ સવારે એક બેઠક યોજી હતી અને નિર્ણય કર્યો હતો કે, અદાણી મુદ્દે જેપીસી તપાસની માંગણી અને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના મુદ્દા સરકારને ઘેરશે. વિપક્ષે પણ આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો, પરંતુ શાસક પક્ષના સભ્યોના વિરોધે તેમના અવાજને દબાવી દીધો હતો. જો કે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધી માફી નહીં માંગે. હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.


કેટલાક વિરોધ પક્ષો રાહુલ સાથે સહમત નથી


જો કે સંસદમાં માઈક બંધ રાખવા અને સાંસદોને બોલવા ન દેવાના નિવેદન પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને બહુ સમર્થન મળતું હોય તેવું લાગતું નથી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં યોજાયેલી લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આજે તેની ઓળખ જોવા મળી હતી. કોંગ્રેસના અધીર રંજન ચૌધરી અને ડીએમકેના ટીઆર બાલુએ આરોપ લગાવતા બેઠકનો બહિષ્કાર કર્યો હતો કે તેમને સંસદમાં બોલવાની તક મળી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે બેઠકમાં હાજર JDU અને અન્ય વિપક્ષી દળોએ આ આરોપને ફગાવી દીધો હતો. 


રાહુલ ગાંધીએ લંડનમાં આરોપ લગાવ્યો હતો


ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે લંડનની તેમની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ બ્રિટિશ સાંસદોને કહ્યું હતું કે, ભારતની લોકસભામાં વિપક્ષો માટે માઇક ઘણીવાર બંધ કરી દેવામાં આવે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આરએસએસ દેશની લોકશાહી પર હુમલો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, RSSએ દેશની સંસ્થાઓ પર કબજો કરીને ભારતમાં લોકતાંત્રિક ચૂંટણીનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે.