નવી દિલ્હી: લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા નવા નવા વચનો આપવાનો દોર શરુ થઈ ગયો છે. ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કેરળના કોચ્ચિમાં મહિલા અનામત બીલને લઇને જાહેરાત કરી કે, જો કૉંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા અનામત બિલ પાસ કરાવવામાં આવશે. આ પહેલા રાહુલ ગાંધીએ ગરીબોને લધુત્તમ આવકની ગેરંટીની યોજના લાવવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, વીતેલા 22 વર્ષોથી મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્યસભા વચ્ચે અટકી રહ્યું છે. આ બીલનો ઉદ્ધેશ્યો લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઇ કરવાનો છે. આ મુદ્દે સહમતી ન બનાવાના કારણે આ બીલ લાંબા સમયથી વિલંબમાં છે. પહેલીવાર 1996માં આ બિલ રજૂ કર્યા બાદ 1998, 1999 અને 2002માં સંસદમાં રજૂ થયું. 2010માં રાજ્યસભામાં પાસ પણ થઈ ગયું. મહિલા અનામત માટે સંવિધાનમાં સંશોધન થવાનું છે. સંવિધાનમાં સંસદ અને વિધાનસભામાં મહિલા અનામતને લઇને કોઈજ વ્યવસ્થા નથી. 1993માં સંવિધાનમાં 73માં અને 74માં સંશોધન દ્વારા પંચાયત અને નગર નિગમમાં એક તૃતિયાંશ સીટ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, ‘2019ની ચૂંટણી જીતવાની સાથે અમે સંસદમાં સૌથી પહેલી મહિલા અનામત બીલ પાસ કરાવીશું.’ તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે અમે મહિલાઓને નેતૃત્વના સ્તર પર જોવા માંગીએ છીએ.
રાહુલે વધુમાં કહ્યું કે અમે જે વચનો આપીએ છે તેને પૂરા કરીએ છે. કૉંગ્રેસની સરકારે મનરેગા અંતર્ગત ગરીબોને રોજગારની ગેરંટી આપી, ભોજનની ગેરંટી આપી. સુચનાનો અધિકાર આપ્યો. તેઓએ કહ્યું કૉંગ્રેસ હંમેશા પોતાના દેશ માટે બદલાવ માટે કામ કર્યું છે. અમે બદલાવની રાજનીતિમાં વિશ્વાસ રાખીએ છે.