Rahul Vacates his Official Bungalow : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે શનિવારના રોજ 12 તુગલક લેનમાં સરકારી બંગલો સંપૂર્ણપણે ખાલી કરી દીધો હતો. રાહુલ ગાંધી છેલ્લા 19 વર્ષથી આ બંગલામાં રહેતા હતા. જ્યારે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો ત્યારે તેમની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલ હાજર હતા. રાહુલ ગાંધીએ લોકસભા સચિવાલયના અધિકારીઓને ચાવીઓ સોંપી હતી. આ પ્રસંગે તેમણે બંગલામાં કામ કરતા કર્મચારીઓ સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. 


બંગલો ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ સત્ય કહેવાની કિંમત છે. હું સત્ય બોલવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું. સાથે જ તેમણે અધિકારીને ઘરની ચાવી સોંપતી વખતે જે વાત કહી હતી તે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. 


મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, મારો ભાઈ જે પણ કહી રહ્યો છે તે સાચું છે. અમે ડરતા નથી. ભાઈએ જે કહ્યું તે બિલકુલ સાચું છે. તેમણે સરકાર વિશે સાચું કહ્યું તેથી જ તેમની સાથે આવું થઈ રહ્યું છે. તેઓ ખૂબ જ હિંમતવાન છે, બિલકુલ ડરતા નથી, ડરશે નહીં અને તેમનો સંઘર્ષ ચાલુ રાખશે.


કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે તેઓ હવે આ ઘર કોઈને પણ આપી શકે છે. મોદી સરકાર અને અમિત શાહ જે રીતે રાહુલ ગાંધી પર નિશાન સાધી રહ્યા છે તે શુદ્ધ રાજકીય બદલો છે. રાહુલ ગાંધી પહેલીવાર 2004માં ઉત્તર પ્રદેશના અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને 2019માં વાયનાડથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.


રાહુલે અધિકારીને ચાવી સોંપતી વખતે કહ્યું કે...


રાહુલ ગાંધી આ ઘરમાં છેલ્લા 19 વર્ષથી રહેતા હતાં. પરંતુ માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી તેમનો તમામ સામાન ખસેડ્યો છે. નોટિસ મુજબ તેણે 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવાનો હતો. આજે રાહુલ ગાંધીએ અધિકારીને ઘરની ચાવી સોંપતી વખતે બંગલો ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતના લોકોએ મને 19 વર્ષ સુધી આ ઘર આપ્યું, એ બદલ હું તેમનો આભાર માનવા માંગુ છું. આ સત્ય કહેવાને કિંમત છે. હું સત્ય બોલવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.




ગુલામ નબી પર માર્યો ટોણોં


રાહુલ ગાંધીના બંગલામાંથી નીકળ્યા બાદ કોંગ્રેસે પણ ગુલામ નબી આઝાદ પર ટોણો માર્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં કેટલાક એવા લોકો છે જેઓ પોતાના સિદ્ધાંતો ભૂલી ગયા છે. એક ફિલ્મ 'સાહિબ બીબી ઔર ગુલામ' હતી, તેની સિક્વલ 'સાહિબ, કોઠી ઔર ગુલામ' હોવી જોઈએ. પવન ખેડાએ વધુમાં જણાવ્યું હતું કે, જેને કોઠી સાથે એટલો લગાવ છે કે તેણે જે વિચારધારા માટે 50 વર્ષ સુધી લડત આપી તેની સાથે સમાધાન કરવું જોઈએ. આવા લોકોએ રાહુલ ગાંધી પાસેથી શીખવું જોઈએ.