નવી દિલ્હી: દેશની અર્થવ્યવસ્થાના મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, નોટબંધી, જીએસટી અને નિષ્ફળ લોકડાઉનના નિર્ણયથી દેશની અર્થવ્યસ્થાને બર્બાદ કરી નાંખી છે.


તેમણે પોતાના ટ્વીટમાં લોકડાઉનને અસફળ ગણાવ્યું છે. જ્યારે જીએસટીને ખામીયુક્ત ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ત્રણેય નિર્ણય સિવાય હજુ ઘણુ બધુ જૂઠ છે. વાસ્તવમાં, રાહુલનું આ ટ્વીટ નાણામંત્રી નિર્મલા સીતારમણના તે નિવેદન પર આવ્યું છે. જેમાં સીતારમણે કોરોના વાયરસને ‘એક્ટ ઓફ ગોડ’ ગણાવતા કહ્યું હતું કે, તેનાથી ભારતની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે.



ગુરુવારે જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નિર્મલા સીતારમણે આ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ ટ્વિટર પર ઘણી ટીકા થઈ હતી. લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જો બધું ભગવાનની જ માયા છે તો, સરકારની શું જરૂરત છે ? આ પ્રકારની અનેક પ્રતિક્રિયા ટ્વિટર પર જોવા મળી હતી અને લોકો નાણામંત્રીને ટ્રોલ કરી રહ્યાં હતા.