નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામેના જંગમાં ભારતે બીજા દેશોની મદદ કરવી જોઈએ પરંતુ જીવનરક્ષક દવા પહેલા ભારતીયોને મળવી જોઈએ તેમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું. રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા ભારત સરકાર તરફથી મલેરિયાની દવા હાઈડ્રોક્સિક્લીરોક્વીનની નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યા બાદ આવી છે. રાહુલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતનું અપમાન ગણાવ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, “મિત્રોમાં બદલાની ભાવના? સંકટના સમયમાં ભારતે બીજા દેશોની મદદ જરૂર કરવી જોઈએ પરંતુ જીવનરક્ષક દવાઓ પહેલા ભારતીયોને પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવી જોઈએ.”

ટ્રમ્પે કહ્યું હતું કે જો ભારત હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવે તો અમે બદલાની કાર્યવાહી કરીશું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેમણે કહ્યું, જરૂરી દવાનો દેશમાં પૂરતો સ્ટોક હોય તે અમારી પ્રાથમિકતા છે. લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે તે માટે કેટલીક દવાઓના નિકાસ પર થોડા સમય માટે રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ વર્તમાન સ્થિતિને જોતાં સરકારે 14 દવાના નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પેરાસિટામોલ અને હાઇડ્રોક્સી ક્લોરોક્વીનેને લઈ સતત રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે. જ્યારે એક વખત દેશમાં તેનો ભરપૂર સ્ટોક થઈ જશે ત્યારે કંપનીઓ તરફથી તેના આધારે ફેંસલો લેવામાં આવી શકે છે. કેટલાક પડોશી દેશો પૂરી રીતે અમારી પર નિર્ભર હોવાથી તેમનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનું વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે. જે દેશોમાં કોરોના વાયરસને લઈ સ્થિતિ વધારે ખરાબ છે તે દેશોને દવા મોકલવામાં આવશે.