નવી દિલ્હી: એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો તથા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની અને કેટલાક અન્ય ભાજપ નેતા-કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શનની એક જૂની તસવીર શેર કરીને કહ્યું, ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ. આ તસવીરમાં ભાજપના નેતા-કાર્યકર્તાઓ યૂપીએ સરકાર વખતે સિલિન્ડરના ભાવ વધારાને લઈને પ્રદર્શન કરતા નજર આવી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ તસ્વીર શેર કરતા ટ્વિટ કરીને લખ્યું કે, “હું ભાજપના આ સદસ્યો સાથે સહમત છું કારણ કે તેઓ એલપીજી સિલિન્ડરમાં 150 રૂપિયાના વધારનો વિરોધ કરી રહ્યાં છે.”


રાંધણ ગેસના સબસિડીવગરના સિલિન્ડરની કિંમત 150 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં 14 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરની કિંમત 144.50 રૂપિયા થઈ ગઈ છે. હવે દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 858.50 રૂપિયા હશે.

સપ્ટેમ્બર 2019થી અત્યાર સુધી ઓઈલ કંપનીઓએ છ વખત રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો છે. ડિસેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 695.00 રૂપિયા હતી જ્યારે કોલકાામાં 725.50, મુબંઈમાં 665 અને ચેન્નઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 714 રૂપિયા હતી. આમ માત્ર બે મહિનાની અંદર સામાન્ય લોકોના ખિસ્સા પર 200 રૂપિયાનો બોજ પડ્યો છે.