નવી દિલ્હી : ટ્વિટરે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાઈ રીતે સસ્પેન્ડ કરી દિધુ છે. કાલે સાંજે ટ્વિટરે રાહુલ ગાંધી દ્વારા દિલ્હી કેન્ટ કથિત રેપ-મર્ડર મામલે બાળકીના માતા-પિતાની શેર કરેલી તસવીર પણ હટાવી હતી. આ મામલે તેમના એકાઉન્ટ પર કાર્યવાહી પણ કરવામાં આવી છે.

  


કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેની રીકવરી કરવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીએ ટ્વિટ કર્યું કે ત્યાં સુધી તેઓ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોડાયેલા રહેશે અને આપણા લોકો માટે અવાજ ઉઠાવશે અને તેમના માટે લડશે.


કોંગ્રેસે તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે, 'રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેની રીકવરી માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે.' હું તમારી સાથે જોડાયેલ રહીશ અને લોકો માટે મારો અવાજ ઉંચો રાખીશ અને તેમની લડાઈ લડતો રહીશ. જય હિન્દ.


સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યા કેસમાં ભોગ બનેલી નવ વર્ષની પીડિતાના માતા-પિતા સાથેની મુલાકાતની તસવીર ટ્વિટર પર શેર કરવા બદલ રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટરે શુક્રવારે રાત્રે રાહુલ ગાંધીની આ પોસ્ટને હટાવી દીધી હતી. તાજેતરમાં, જ્યારે રાહુલ ગાંધીએ આ તસવીર શેર કરી હતી, તે પછી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર અને દિલ્હી પોલીસને એક પત્ર મોકલીને આ મામલે કાર્યવાહીની માંગ કરી હતી.