Rahul Gandhi On Veer Savarkar Row: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે આપેલા નિવેદનથી તેમના સાથી પક્ષો પણ ભારોભાર નારાજ જણાઈ રહ્યાં છે. રાહુલ ગાંધીના નિવેદન પર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે આકરી પ્રતિક્રિયા આપી છે. આ સાથે ઠાકરે જૂથના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ડિનર પાર્ટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.



ખડગેએ આજે સોમવારે સાંજે તેમના ઘરે તમામ વિરોધ પક્ષોના સાંસદો માટે ડિનર રાખ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પુષ્ટિ કરી છે કે, વીર સાવરકરના અપમાનના મુદ્દે તેમની પાર્ટીના કોઈપણ નેતા ડિનરમાં હાજરી આપશે નહીં. વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે (25 માર્ચ) પીસી દરમિયાન કહ્યું હતું કે, મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધીજી કોઈની માફી માંગતા નથી.

સાવરકરનું અપમાન નહીં સાંખી લઈએ

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ સહિત અનેક પાર્ટીઓએ તેમનો વિરોધ કર્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ભાગીદાર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ આ નિવેદનથી નારાજ છે. સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણી અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ સાવરકરનું અપમાન કદાપી સાંખી નહીં લે. 14 વર્ષ સુધી તેમને જેલમાં અકલ્પનીય યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી ચર્ચા કરશે

તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન લોકશાહીને બચાવવા માટે કરવામાં આવ્યું છે અને આપણે એક થઈને કામ કરવાની જરૂર છે. રાહુલ ગાંધીને જાણી જોઈને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, પરંતુ જો તેમાં સમય બગાડવામાં આવશે તો લોકશાહીનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. આ મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી સાવરકરના મુદ્દા પર ચર્ચા કરશે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી લોકશાહી બચાવવા માટે એકસાથે આવ્યા છે.

"મહારાષ્ટ્રના લોકો યોગ્ય જવાબ આપી શકે છે"

બીજી તરફ સંજય રાઉતે કહ્યું હતું કે, વીર સાવરકર આપણા અને દેશ માટે આદરનો વિષય છે. આંદામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા આસાન નથી. આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રના લોકો સણસણતો જવાબ આપી શકે છે. અમે તમારી સાથે છીએ, પરંતુ વીર સાવરકર અમારી પ્રેરણા છે. સોમવારે બીજેપી-શિવસેનાના સાંસદોએ પણ વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન સામે સંસદમાં શિવાજીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.