કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે જર્મનીમાં BMW ફેક્ટરીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ભારતના ઉત્પાદન ક્ષેત્રની ચર્ચા કરી હતી અને દેશમાં ઉત્પાદન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓ પાંચ દિવસના યુરોપિયન પ્રવાસ પર છે, જ્યાં તેઓ બર્લિનમાં ભારતીય ઓવરસીઝ કોંગ્રેસના પ્રતિનિધિઓ અને ભારતીય ડાયસ્પોરાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે.
રાહુલ ગાંધીએ લીધી BMW ફેક્ટરીની મુલાકાત
રાહુલ ગાંધીએ ફેક્ટરીની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અમે BMW ફેક્ટરીની મુલાકાત લીધી. તે એક અદ્ભૂત અનુભવ હતો. મને આનંદ થયો કે તેમની પાસે 450cc TVS બાઇક છે. ભારતીય ધ્વજ લહેરાતો જોઈને આનંદ થયો."
રાહુલે કહ્યું હતું કે, "ભારતને ઉત્પાદન શરૂ કરવાની જરૂર છે. ઉત્પાદન કોઈપણ દેશની સફળતાની ચાવી છે. આપણું ઉત્પાદન ઘટી રહ્યું છે. તેને વધારવું જોઈએ."
રાહુલે BMW ફેક્ટરીનો વીડિયો શેર કર્યો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધી શોરૂમમાં ફરી રહ્યા છે. બાઇક અને કાર જોઈ રહ્યા છે. લોકો સાથે વાતચીત કરતા પણ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યુ હતું કે "ઉત્પાદન એ મજબૂત અર્થતંત્રોની કરોડરજ્જુ છે. દુઃખની વાત છે કે ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. વૃદ્ધિને વેગ આપવા માટે, આપણે ઉત્પાદન વધારવાની જરૂર છે. આપણે એક અર્થપૂર્ણ ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવાની અને મોટા પાયે ઉચ્ચ-ગુણવત્તાવાળી નોકરીઓનું સર્જન કરવાની જરૂર છે."
રાહુલ ગાંધીનું એરપોર્ટ પર સ્વાગત
બર્લિન પહોંચ્યા બાદ રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (આઈઓસી)ના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તેઓ અહીં એક મુખ્ય IOC કાર્યક્રમને સંબોધિત કરશે જેમાં યુરોપના ઘણા અગ્રણી નેતાઓ હાજરી આપશે. આઈઓસી દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમને રાહુલ ગાંધીનું સ્વાગત કરતા ગર્વ થઈ રહ્યો છે. તેઓ 17 ડિસેમ્બરે બર્લિનમાં ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ યુરોપના ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના તમામ પ્રમુખોને એકઠા થશે."