Rahul Gandhi Will be the PM Candidate : વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફરી એકવાર વિરોધ પક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા કરી દીધી છે તો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ મામલે મહત્વનો ઈશારો કર્યો છે. નીતીશે આ મામલે મોઘમ જવાબ આપ્યો હતો. 


કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યું હતું કે, રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં પરંતુ વડાપ્રધાન પદનો ચહેરો પણ હશે. તેમના આ નિવેદન પર બિહારમાં પણ રાજકારણ ગરમાયું છે. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે પટનામાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું - 'ઠીક છે, તેમાં ખોટું શું છે. અમે રાહ જોઈ રહ્યા છીએ, અન્ય તમામ પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. 


રાહુલ ગાંધીને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર લગભગ જાહેર કરી જ દેવામાં આવ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી અને જેડી(યુ) અધ્યક્ષ નીતીશ કુમારે કહ્યું હતું કે, કોંગેસનું આ વળણ ઠીક છે, પણ અમે આ મામલે રાહ જોઈશું. હજી તમામ પક્ષો સાથે ચર્ચા ચાલી રહી છે. નીતીશે એમ પણ કહ્યું હતું કે, આ મામલે સાથે મળીને કામ કરવાની જરૂર છે. વિપક્ષ દ્વારા પીએમ પદ માટે તેમના નામની ચર્ચાને લઈને પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર નીતિશ કુમારે કહ્યું હતું કે, તેમના વિશે જુઠ્ઠાણું ચાલી રહ્યું છે, તેઓ ઈચ્છા નથી. નીતિશે એમ પણ કહ્યું હતું કે, તેમની એક જ ઈચ્છા છે કે વધુને વધુ પક્ષો સાથે આવે. પરસ્પર સહમતિથી દેશના વિકાસ માટે યોજનાઓ તૈયાર કરવી જોઈએ.


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની બિહાર મુલાકાતને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે, તેઓ આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. તેઓ બિહારની યાત્રાએ નિકળવાના છે. તેઓ સતત બિહારની સેવામાં કાર્યરત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પીએમ પદ માટે તેમની કોઈ ઈચ્છા નથી, તેમની ઈચ્છા તો માત્ર જનતાની સેવા કરવાની છે.


તેજસ્વી યાદવે કહ્યું- શું થશે શું નહીં તે તો સમય જ બતાવશે


બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે 2024ની લોકસભા ચૂંટણીમાં પીએમના ચહેરાના સવાલ પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તમામ લોકોની પોતાની ઈચ્છાઓ હોય છે, તમામ પક્ષોના નેતાઓ તેમની વાત કરતા હોય છે. બધા સાથે મળીને વાત કરશે, ત્યાર બાદ જ સર્વસંમતિ સાધવામાં આવશે. તેજસ્વીએ કહ્યું હતું કે, શું થશે, શું નહીં થાય, સમય જ બધું જ જણાવી દેશે.


કમલનાથે શું કહ્યું હતું?


ઉલ્લેખનીય છે ક, મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું હતું કે, રાહુલ ગાંધી 2024ની ચૂંટણીમાં વિપક્ષ તરફથી પીએમ પદના સંયુક્ત ઉમેદવાર હશે. ભારત જોડો યાત્રાને લઈને કમલનાથે ખુલ્લેઆમ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતાં અને કહ્યું હતું કે, તેઓ સત્તા માટે નહીં પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે. સવાલ 2024ની લોકસભા ચૂંટણીનો છે તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર પણ હશે.