નવી દિલ્લી:  રેલવે એક મોબાઈલ એપ લોંચ કરશે જેમાં ટેક્સી અને કુલી ભાડા પર મેળવી શકાશે. તેમજ સ્ટેશન પર રૂમ અને લોંજનું બુકિંગ જેવી સેવાઓનો લાભ મેળવી શકાશે. જુદી-જુદી સેવાઓ માટે એક જ જગ્યા પર સમાધાન મળી રહે તે માટે આ એપનો ઉપયોગ ટિકીટનું બુકીંગ, પસંદગીની રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવવું, સ્ટેશન બાદ યાત્રીઓની પસંદગીની હોટલમાં રૂમ બુક કરાવવા માટે પણ થશે. રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું આ એપ્લીકેશન આગામી વર્ષની શરૂઆતમાં લોંચ થવાની આશા છે, કારણ કે તેના માટે જરૂરી કામ ચાલી રહ્યું છે. હાલ ટિકીટ અને જમવાના બુકિંગ માટેની એપ કાર્યરત છે. પરતું ધણી સેવાઓ માટે આ પ્રકારની કોઈ એપ નથી. યોજના મુજબ આ એપ દેશના 7,000 સ્ટેશન પર દરરોજ ચાલનારી 11,000 ટ્રેનોમાં યાત્રા કરતા બે કરોડથી વધુ લોકોને કુલી, વ્હીલચેર, ટેક્સી, લોંજ, બેડરોલ જેવી 17 સેવાઓ આપશે.