નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે દેશમાં માર્ચમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે જ ટ્રેન, હવાઈ યાત્રા સહિત લગભગ તમામ પરિવહન સેવાઓ પણ બંધ થઈ ગઈ હતી. જો કે, પરિસ્થિતિને જોતા મે મહિનામાં ટ્રેનોનું સંચાલન શરું કરવામાં આવ્યું હતું પરંતુ મર્યાદિત સંખ્યામાં. હાલમાં દેશમાં જે ટ્રેનો ચાલી રહી છે તે કોવિડ સ્પેશિયલ ટ્રેન છે. એવામાં પહેલાની જેમ સામાન્ય ટ્રેન સેવાઓ ક્યારથી શરુ થશે તેને લઈને ખુદ રેલવે બોર્ડના અધ્યક્ષે જવાબ આપ્યો છે.


રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, દેશમાં પહેલાની જેમ સામાન્ય ટ્રેન સેવાઓ શરું થાય તેવી સ્થિતિ ક્યારે થશે, તેને લઈને કોઈ નિશ્ચિત તારીખ કહેવું સંભવ નથી. તેમણે કહ્યું કે, રેલવે અધિકારીઓ તેને લઈને રાજ્ય સરકારોના સંપર્કમાં છે. જેમ જેમ તેઓ આગળ વધશે, ટ્રેનોનું સંચાલન પણ વધશે.

યાદવે કહ્યું કે, ગત વર્ષની તુલનામાં આ વર્ષે અત્યાર સુધી મુસાફરોથી થતી આવકમાં 87 ટકા ઘટાડો આવ્યો છે. તેમણે કહ્યું કે, સ્થિતિ હજુ પણ સામાન્ય નથી થઈ, હાલમાં ટ્રેનો ચાલી રહી છે, તેમાં સરેરાશ 30 થી 40 ટકા જ સીટો ભરેલી હોય છે. જે દર્શાવે છે કે, મહામારીનો ભય હજુ પણ છે. યાદવે કહ્યું કે, રેલવે હાલમાં 1089 વિશેષ ટ્રેનો દોડાવી રહી છે.