ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટિંગ ટિકિટની સંખ્યા ટ્રેનની કુલ ક્ષમતાના 25% સુધી મર્યાદિત રહેશે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારો મુસાફરી અનુભવ પ્રદાન કરવાનો અને ઓવરબુકિંગની સમસ્યા ઘટાડવાનો છે.

અહેવાલો અનુસાર, હવે રેલવે દરેક ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેકન્ડ, એસી થર્ડ, સ્લીપર અને ચેર કારમાં કુલ બર્થ/સીટના મહત્તમ 25 ટકા વેઇટિંગ ટિકિટ તરીકે જારી કરશે. આ ફેરફાર દિવ્યાંગજન, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે અનામત બેઠકો જેવા વિવિધ ક્વોટાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

ટ્રેનોમાં ભીડ ઓછી થશે 

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંકડા દર્શાવે છે કે ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધીમાં લગભગ 20 થી 25 ટકા વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ જાય છે. આ આધારે, નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી મુસાફરોને તેમની ટિકિટની સ્થિતિ વિશે વધુ સ્પષ્ટતા મળી શકે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્ર પછી, દેશભરના વિવિધ ઝોનલ રેલ્વેએ આ નવી સિસ્ટમ લાગુ કરવાનું શરૂ કરી દીધું છે.

આ નિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો, મેલ/એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો જેવી તમામ શ્રેણીની ટ્રેનોમાં લાગુ પડશે. ઉદાહરણ તરીકે, જો એક ટ્રેનમાં 1,000 સીટો ઉપલબ્ધ હોય, તો મહત્તમ 250 વેઇટલિસ્ટ ટિકિટ જારી કરવામાં આવશે. આનાથી મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા વધશે, પરંતુ ટ્રેનમાં બિનજરૂરી ભીડ પણ ઓછી થશે.

અત્યાર સુધી વેઈટિંગની મર્યાદા કેટલી હતી?

જાન્યુઆરી 2013 ના પરિપત્ર મુજબ, અગાઉ એસી ફર્સ્ટ ક્લાસમાં મહત્તમ 30 વેઇટિંગ ટિકિટ, એસી સેકન્ડમાં 100, એસી થર્ડમાં 300 અને સ્લીપર ક્લાસમાં 400 વેઇટિંગ ટિકિટ જારી કરી શકાતી હતી. આને કારણે, મુસાફરો ઘણીવાર છેલ્લી ક્ષણ સુધી તેમની ટિકિટ કન્ફર્મ થવાની ચિંતા કરતા હતા. એક વરિષ્ઠ રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, વેઇટિંગ ટિકિટની સંખ્યા વધુ હોવાને કારણે કન્ફર્મ ટિકિટ વિના મુસાફરો રિઝર્વ્ડ કોચમાં ચઢતા હતા, જેના કારણે કોચમાં ભીડ જોવા મળતી હતી. નવી નીતિ આ અરાજકતાને રોકવામાં મદદ કરશે.  

નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે

ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ નીતિમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો 1 જૂલાઈથી અમલમાં આવશે. નવી માર્ગદર્શિકા અનુસાર, ફક્ત તે યુઝર્સ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે તે જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે. રેલવેના આ નિર્ણયને તત્કાલ ટિકિટ બુકિંગમાં પારદર્શિતા વધારવા તરીકે જોવામાં આવી રહ્યું છે. આધાર સાથે જોડાયેલા IRCTC એકાઉન્ટની સાથે 15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર આધારિત OTP ઓન્થેટિકેશન પણ જરૂરી રહેશે.