Rajya Sabha elections:  ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 5 ઉમેદવારોના નામ છે. ભાજપે ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે માયા નરોલિયા અને એલ મુરુગનને એમપીમાંથી ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાંથી બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજ નામના બે અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.


આ પહેલા રવિવારે (11 ફેબ્રુઆરી) બીજેપીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદીમાં બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહને ઉત્તર પ્રદેશમાંથી ટિકિટ આપવામાં આવી હતી. બીજેપી હરિયાણાના પૂર્વ અધ્યક્ષ સુભાષ બરાલાને હરિયાણાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં 14 ઉમેદવારોના નામ સામેલ છે.






ભાજપ ગુજરાતમાંથી આજે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરશે


ભાજપ આજે ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરશે. ચારમાંથી એક ઉમેદવાર નક્કી છે. જ્યારે ત્રણ ઉમેદવારો સ્વરૂપે ચોંકાવનારા નામોની શક્યતા છે. ત્રણ બેઠકોમાંથી એક મહિલાના નામની ચર્ચા છે. જ્યારે બાકીના બે ઉમેદવારોમાંથી એક અનુસુચિત જાતિ અને ત્રીજી બેઠક માટે પાટીદાર નેતાની પસંદગી થઈ શકે છે. ફોર્મ ભરવા ગુરુવારે છેલ્લો દિવસ હોવાથી આજે તમામ ઉમેદવારોના નામો જાહેર થશે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસે ઐતિહાસિક બહુમતિ હોવાથી આ વખતે રાજ્યસભાની ચૂંટણી યોજવાની નથી. જેમની ઉમેદવારી થશે તે બિનહરીફ થઈને છ વર્ષ માટે પ્રતિનિધિત્વ કરશે.આ કારણોસર ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ દેશના અન્ય રાજ્યમાંથી ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ સૌથી છેલ્લે ગુજરાતની ચારેય બેઠકોના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં ચાર બેઠકો પૈકી એક બેઠક ગુજરાત બહારના કોઈ મોટા નેતાને મળી શકે છે.