નવી દિલ્હી: વધી રહેલી મોંઘવારી વચ્ચે રેલવેએ પણ સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. લોકલ ટ્રેન અને પ્લેટફોર્મની ટિકિટની કિંમતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે. રેલવેએ 10 રૂપિયામાં મળતી પ્લેટફોર્મ ટિકિટ હવે 50 રૂપિયાની કરી દિધી છે. હવે રેલવેએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે.

ભારતીય રેલવેએ કહ્યું કે હાલમાં જ પ્લેટફોર્મ ટિકિટની કિંમત કેટલાક સ્ટેશનો પર 50 રૂપિયા સુધી કરવામાં આવી છે. રેલવેનું કહેવાનું છે કે તેમનો આ નિર્ણય અસ્થાયી છે અને કોરોના કાળમાં સ્ટેશનો પર ભીડને કાબૂમાં રાખવા માટે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

કોરોનાકાળમાં લોકડાઉન બાદથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ થયું હતું પરંતુ આજે 12 વાગ્યા બાદથી દિલ્હી સહિત તમામ મુખ્ય રેલવે સ્ટેશનો પર પ્લેટફોમ ટિકિટ મળવાની શરૂ થઈ જશે. દેશના ઘણા અન્ય શહેરોમાં પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે.

મુંબઈમાં 10 રૂપિયાની ટિકિટ 50 રૂપિયા કરવામાં આવી

આ પહેલા મુંબઈમાં મધ્ય રેલવેએ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખી ગરમીની સીઝનમાં પ્લેટફોર્મ પર વધારે ભીડ એકઠી ન થાય એ માટે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર (એમએમઆર)ના કેટલાક મહત્વપૂર્ણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં વધારો કર્યો હતો.

મધ્ય રેલવે (સીઆર)ના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું કે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ તથા નજીકના ઠાણે, કલ્યાણ, પનવેલ અને ભિવંડીમાં પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયા કરી દેવામાં આવી હતી. નવી કિંમત મુંબઈમાં એક માર્ચથી લાગુ થઈ હતી જે 15 જૂન સુધી લાગુ રહેશે.