નવી દિલ્હીઃ ચોમાસું પૂરું થયે અને શિયાળો શરૂ થવા છતાં અનેક જગ્યાએ વરસાદ પડવાના સમાચાર આવતા રહ્યા છે. આ કમોમસી વરસાદને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરિત અસર પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આવનારા દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશમાં ભારે બરફ પડતાં ત્યાં ઠંડીમાં વધારો થયો છે અને 16 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉંચાઈવાળા વિસ્તારોમાં સામાન્ય બરફ પડ્યો છે. હવામાન વિભાગે આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. અને મધ્યમથી ભારે બરફ વર્ષાની શક્યતા વ્યક્ત કરી છે. ભારે ધુમ્મસને કારણે શ્રીનગર એરપોર્ટ સતત પાંચમા દિવસે બંધ રહ્યું છે. તો શ્રીનગર-લેહ નેશનલ હાઈવે તેમજ મુગલ માર્ગ પર બરફ પણ પડ્યો છે.


હવામાન વિભાગ અનુસાર ઉત્તરાખંડમાં 12-13 ડિસેમ્બરે મધ્યમથી ભારે બરફવર્ષા થઈ શકે છે. 12 ડિસેમ્બરે ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથૌરાગઢ જિલ્લામાં 2500 મીટર અને તેનાથી વધારે ઉંચાઈવાળા અલગ અલગ સ્થળો પર ભારે બરફવર્ષાની સંભાવના છે.

પહાડી વિસ્તારોમાં બરફ વરસાદને કારણે દિલ્હીમાં પારો ગગડીને 7.9 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે દેશના ઉત્તરી વિસ્તારમાં હજુ ભારે બરફ વર્ષા થશે અને ઠંડી વધશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે શુક્રવાર સુધીમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદ પડશે તેવી સંભાવના દર્શાવી છે.