PM Modi Call To Amit Shah:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં ફ્રાન્સના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગૃહમંત્રી અમિત શાહને ફોન કર્યો હતો. જેમાં તેમણે દિલ્હીમાં પૂરની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. અમિત શાહે વડાપ્રધાન મોદીને દિલ્હીમાં પૂરની સ્થિતિ વિશે જાણકારી આપી અને કહ્યું કે યમુનાનું જળ સ્તર ઘટશે. આ પછી સ્થિતિ સુધરવાની શક્યતા છે.






ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ગૃહમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે આગામી 24 કલાકમાં યમુનાનું જળસ્તર ઘટશે અને દિલ્હીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. વડાપ્રધાન મોદીને માહિતી આપતાં ગૃહમંત્રીએ કહ્યું કે NDRFની ટીમ લોકોની મદદ કરી રહી છે.






ગૃહ મંત્રાલય દ્વારા એક ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીના જળસ્તર વધવાને કારણે દિલ્હીના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી."






અમિત શાહે શું કહ્યું?


HMOના ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, "ગૃહમંત્રીએ પીએમ મોદીને કહ્યું હતું કે આગામી 24 કલાકમાં પાણીનું સ્તર ઘટવાની સંભાવના છે અને તેઓ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે." બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પૂરતી સંખ્યામાં NDRF ટીમો તૈનાત કરવામાં આવી રહી છે.






એલજી વીકે સક્સેનાને પણ કર્યો ફોન


દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું કે પીએમ મોદીએ ફ્રાન્સથી તેમને ફોન કર્યો હતો અને દિલ્હીમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે થઈ રહેલા પ્રયાસો વિશેની પૂછપરછ કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી શક્ય તમામ મદદ લઈને દિલ્હીના હિતમાં યોગ્ય પગલાં ભરવા સૂચના આપી હતી.